તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
રખડતા શ્વાન પર કાર્યવાહી મામલે પંજાબના સીએમ ભગવંત માન અને સ્વાતિ માલીવાલ વચ્ચે ટ્વિટર વૉર: 'ગેરકાયદેસર અને અમાનવીય' કહીને સાંસદે કર્યા આકરા પ્રહારો
મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપી 'કિલર ડોગ્સ' વિરુદ્ધ રાજ્યવ્યાપી ઝુંબેશની કરી હતી જાહેરાત; માલીવાલે કહ્યું- "માન સીએમ હોશમાં ન હોય ત્યારે ટ્વીટ કરે છે, પંજાબમાં ડ્રગ માફિયા મુક્ત છે અને સરકાર કૂતરા પાછળ પડી છે"

ચંદીગઢ : પંજાબમાં રખડતા કૂતરાઓના આતંકને રોકવા માટે મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા લેવાયેલા એક નિર્ણયે રાજ્યમાં મોટું રાજકીય તોફાન ઉભું કરી દીધું છે. મુખ્યમંત્રી માને રાજ્યભરમાં રખડતા અને હિંસક કૂતરાઓ વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી હતી, જેને આમ આદમી પાર્ટી (AAP) ના જ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે "ગેરકાયદેસર, અમાનવીય અને શરમજનક" ગણાવીને પોતાની જ સરકાર સામે મોરચો ખોલી દીધો છે. આ મુદ્દે બંને નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર આકરી નિકાહ-પલટવાર શરૂ થઈ ગઈ છે.
ભગવંત માનની 'કિલર ડોગ્સ' હટાવવાની જાહેરાત
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મુખ્યમંત્રી ભગવંત માને આ અઠવાડિયાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પંજાબ સરકાર રખડતા અને કહેવાતા "કિલર કૂતરાઓ" ને રસ્તા પરથી દૂર કરવા માટે એક "મોટા પાયે ઝુંબેશ" શરૂ કરવા જઈ રહી છે, કારણ કે આ શ્વાન રાજ્યભરમાં માસૂમ બાળકો અને રાહદારીઓના જીવન માટે મોટો ખતરો બની ગયા છે. આ સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના એક તાજેતરના આદેશનો આભાર માન્યો હતો, જેના કારણે આ કડક કાર્યવાહી માટે સરકારને લીલી ઝંડી મળી હોવાનો તેમણે દાવો કર્યો હતો.
સ્વાતિ માલીવાલનો સીએમ પર દારૂના નશાનો પરોક્ષ કટાક્ષ
મુખ્યમંત્રીની આ પોસ્ટ પર પ્રાણીપ્રેમી અને સાંસદ સ્વાતિ માલીવાલે અત્યંત આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો. માલીવાલે સીએમ ભગવંત માન પર સુપ્રીમ કોર્ટના આદેશને ખોટી રીતે રજૂ કરવાનો આક્ષેપ મૂકતા લખ્યું કે, "સર્વોચ્ચ અદાલતનો આદેશ કૂતરાઓને મોટા પાયે મારવાની મંજૂરી બિલકુલ આપતો નથી." વાત અહીં જ ન અટકતા તેમણે ભગવંત માનની જૂની આદતો પર પરોક્ષ કટાક્ષ કરતા ઉમેર્યું કે, "મુખ્યમંત્રીએ કદાચ આ ટ્વીટ ત્યારે પોસ્ટ કર્યું હશે જ્યારે તેઓ પોતાના ભાનમાં (હોશમાં) નહોતા, અને આવું થવું તેમના માટે કોઈ નવી કે અસામાન્ય વાત નથી."
આ સાથે જ માલીવાલે પંજાબની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, આજે પંજાબમાં ડ્રગ માફિયાઓ, ગેંગસ્ટરો અને ખૂંખાર ગુનેગારો બેખોફ થઈને ખુલ્લેઆમ ફરી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકારને તેની ચિંતા કરવાને બદલે રખડતા મૂંગા પ્રાણીઓનો પીછો કરવામાં વધુ તાકીદ દેખાઈ રહી છે.
વિવાદ વધતાં સીએમ માને સ્પષ્ટતા કરી નવો પ્લાન જાહેર કર્યો
ચોમેરથી ઘેરાયા બાદ અને વિવાદ વધુ વકરતા મુખ્યમંત્રી ભગવંત માને આજે ફરી એક નવી, વધુ સંતુલિત પોસ્ટ શેર કરીને સરકારનો વાસ્તવિક પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સરકાર કૂતરાઓને મારવા નથી જઈ રહી, પરંતુ રખડતા કૂતરાઓને વધુ ભીડવાળી જાહેર જગ્યાઓ પરથી હટાવીને તેમની યોગ્ય સારસંભાળ માટે પૂરતી આશ્રય સુવિધાઓ (એનિમલ શેલ્ટર) બનાવશે. જ્યારે ઈચ્છામૃત્યુ (Euthanasia) જેવા સંવેદનશીલ વિષય પર માને સ્પષ્ટ કર્યું કે, કાયદાકીય જોગવાઈઓ મુજબ માત્ર હડકાયા (Rabid), અસાધ્ય રીતે બીમાર અથવા અતિશય આક્રમક કૂતરાઓ જે માનવ જીવન માટે સીધો ખતરો છે, તેમના પર જ આ નિયમ લાગુ કરાશે. આ સમગ્ર ઓપરેશન 'પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ' અને 'એનિમલ બર્થ કંટ્રોલ' (ABC) ના કડક નિયમો હેઠળ જ ચલાવવામાં આવશે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
