<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

પંજાબના સીએમ ભગવંત માનનો વડાપ્રધાન મોદી પર આકરો કટાક્ષ - "બીજાને કરકસરની સલાહ આપતા પહેલા પીએમ પોતે પોતાના વિદેશ પ્રવાસો બંધ કરે"

વડાપ્રધાનની સાદગી અને સરકારી ખર્ચ ઘટાડવાની અપીલ સામે ઉઠાવ્યા સવાલ : પંજાબ સરકારે કેન્દ્રની આર્થિક નીતિઓ અને રાજ્યોના હકો પર પ્રહારો કર્યા

ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના વહીવટી તંત્ર અને રાજ્યોને સરકારી ખર્ચમાં કરકસર કરવા તેમજ નાણાકીય શિસ્ત જાળવવા અંગે કરવામાં આવેલી અપીલ પર આકરા પ્રહારો કર્યા છે. સીએમ ભગવંત માને એક પત્રકાર પરિષદમાં કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન જો ખરેખર દેશના નાણાં બચાવવા માટે ગંભીર હોય, તો તેમણે સૌપ્રથમ પોતાના કરોડો રૂપિયાના વૈભવી અને બિનજરૂરી વિદેશ પ્રવાસો પર તાત્કાલિક રોક લગાવી દેવી જોઈએ. બીજાને જ્ઞાન આપતા પહેલા કેન્દ્ર સરકારે પોતાના જ ખર્ચાઓ પર કાપ મૂકીને સાદગીનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

 કરોડો રૂપિયાના વિદેશ પ્રવાસોથી દેશને શું ફાયદો? - ભગવંત માન:

ભગવંત માને વડાપ્રધાનના પાંચ દેશોના તાજેતરના પ્રવાસનો ઉલ્લેખ કરતા સવાલો ઉઠાવ્યા કે પીએમના એક-એક વિદેશ પ્રવાસ પાછળ દેશના કરદાતાઓના અબજો રૂપિયા પાણીની જેમ વહાવી દેવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે આટલા મોટા ખર્ચાઓ સામે દેશને વાસ્તવિક આર્થિક કે વ્યાપારી સ્તરે કોઈ મોટો ફાયદો થતો નથી, તે માત્ર એક રાજકીય પ્રચાર બનીને રહી જાય છે. જો આ જ નાણાં બચાવીને દેશના ગરીબો, ખેડૂતો અને આરોગ્ય ક્ષેત્ર પાછળ વાપરવામાં આવે તો દેશની સ્થિતિ વધુ સુધરી શકે છે.

 કેન્દ્ર સરકાર પંજાબના હકના ફંડ રોકીને અન્યાય કરી રહી છે:

રાજ્યોની આર્થિક સ્થિતિ અંગે કેન્દ્રની દખલગીરીનો વિરોધ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પંજાબ સરકાર પોતાના નાગરિકોના કલ્યાણ માટે મફત વીજળી અને શિક્ષણ જેવી લોકઉપયોગી યોજનાઓ ચલાવી રહી છે, જેને કેન્દ્ર સરકાર ‘રેવડી કલ્ચર’ કહીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર પંજાબના હકના ગ્રામીણ વિકાસ ફંડ (RDF) અને જીએસટીના કરોડો રૂપિયાના હપ્તાઓ સમયસર રિલીઝ ન કરીને રાજ્યના વિકાસમાં રોડા અટકાવી રહી છે. પંજાબ પોતાના સંસાધનોનું સંચાલન કરવા માટે સક્ષમ છે અને તેને કેન્દ્રની પક્ષપાતી સલાહની કોઈ જરૂર નથી.

 આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ તેજ:

મુખ્યમંત્રી ભગવંત માનના આ સીધા અને આકરા નિવેદન બાદ પંજાબ અને કેન્દ્ર સ્તરે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય વાકયુદ્ધ વધુ તેજ બન્યું છે. ભાજપના પ્રવક્તાઓએ ભગવંત માનના નિવેદનની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે વડાપ્રધાનના વિદેશ પ્રવાસો દેશની વ્યૂહાત્મક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય રોકાણ લાવવા માટે અનિવાર્ય છે. સીએમ ભગવંત માને વૈશ્વિક કૂટનીતિની સમજ વગર માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારની બિનજવાબદાર નિવેદનબાજી કરી છે.

(5:15 PM IST)