<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

પંજાબ ચૂંટણી 2027: AAP ની પ્રથમ યાદી જાહેર થતાં જ ભંગાણ, બે વર્તમાન ધારાસભ્યોએ ઠોક્યું રાજીનામું

સનૌરના ધારાસભ્ય હરમીત પઠાણમાજરા અને સમાનાના ધારાસભ્ય ચેતન જોડામજરાએ પાર્ટી છોડતા પંજાબના રાજકારણમાં મોટો ભૂકંપ

પટિયાલા :પંજાબ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) ને ખૂબ જ મોટો રાજકીય આંચકો લાગ્યો છે. પંજાબ ચૂંટણી માટે પાર્ટી દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવ્યાના બીજા જ દિવસે ભંગાણના સોપો પડી ગયો છે. સનૌર વિધાનસભા મતવિસ્તારના AAP ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા અને સમાના મતવિસ્તારના ધારાસભ્ય ચેતન સિંહ જોડામજરાએ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી અચાનક રાજીનામું આપી દેતાં સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

સનૌરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભગવંત માન સરકારની નીતિઓ વિરુદ્ધ પોતાના વિરોધી વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરી રહ્યા હતા. સરકાર અને પઠાણમાજરા વચ્ચે સતત વધી રહેલો તણાવ અને પાર્ટી અંતર્ગત ચાલી રહેલા આંતરિક અસંતોષે હવે મોટું રાજકીય રૂપ ધારણ કરી લીધું છે. પહેલી યાદી જાહેર થતાં જ અસંતોષની આ જ્વાળા બહાર આવી ગઈ છે અને બે દિગ્ગજ નેતાઓએ સામુહિક રીતે રાજીનામા ધરી દઈને આમ આદમી પાર્ટી માટે મોટી મુશ્કેલી ઊભી કરી દીધી છે.

પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ બંને ધારાસભ્યોના આગામી રાજકીય કદમ પર સહુની નજર ટકેલી છે. પંજાબના રાજકીય વિશ્લેષકોના મતે આ રાજીનામા આગામી ચૂંટણી સમીકરણો પર ઊંડી અસર છોડશે. બીજી તરફ, બે બેઠકો પર ધારાસભ્યોનું રાજીનામું પડતાં જ AAP હાઈકમાન્ડ હરકતમાં આવ્યું છે અને પાયાના કાર્યકરો તથા સ્થાનિક નેતાઓને અસંતોષથી બચાવવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

અગાઉ પણ પંજાબ AAP માં ટિકિટ વિતરણ અને સરકારની કામગીરીને લઈને આંતરિક ખેંચતાણના બનાવો સામે આવતા રહ્યા છે. વર્તમાન સ્થિતિને જોતાં વિપક્ષી પક્ષો કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળે પણ AAP સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. હવે આગામી દિવસોમાં આ રાજીનામું આપનારા ધારાસભ્યો કયા રાજકીય પક્ષનો હાથ ઝાલે છે અથવા નવો મોરચો માંડે છે તેના પર સમગ્ર પંજાબના રાજકારણનો નવો વળાંક નિર્ભર રહેશે.

(2:07 PM IST)