તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
પંજાબ પોલીસની આંતરરાષ્ટ્રીય સર્જિકલ સ્ટ્રાઇક: ₹5 લાખનું ઇનામ ધરાવતો કુખ્યાત ગેંગસ્ટર આફ્રિદી ઇથોપિયાથી ભારત ડિપોર્ટ કરાયો
અત્યાર સુધીનું પ્રથમ આફ્રિકન કન્ટ્રી દેશનિકાલ ઓપરેશન સફળ: નકલી પાસપોર્ટથી ભાગીને યુએઈ અને કેન્યા થઈ ઇથોપિયા પહોંચેલા ડોની બાલ-પ્રભ દાસુવાલ ગેંગના સરગના ગુરવિંદર સિંહ ઉર્ફે આફ્રિદીને દિલ્હી એરપોર્ટ પરથી ઝબ્બે કરતી પંજાબની એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ

ચંદીગઢ: પંજાબ પોલીસે રાજ્યમાં ગુનાખોરી અને ગેંગસ્ટર સંસ્કૃતિનો ખાતમો બોલાવવા માટે શરૂ કરેલા કડક 'ઓપરેશન ગેંગસ્ટર તે વાર' હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઐતિહાસિક અને મોટી સફળતા હાંસલ કરી છે. 10 મહિનાથી વિદેશી ધરતી પરથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા અને ₹5 લાખનું ઇનામ ધરાવતા કુખ્યાત ગેંગસ્ટર ગુરવિન્દ્ર સિંહ ઉર્ફે આફ્રિદીને આખરે ઇથોપિયાથી ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરીને દિલ્હી એરપોર્ટ ખાતેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પંજાબ પોલીસની એન્ટિ-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) દ્વારા આફ્રિકન દેશમાંથી હાથ ધરવામાં આવેલું આ સૌપ્રથમ સફળ કમાન્ડો-લેવલ ટ્રેકિંગ અને ડિપોર્ટેશન ઓપરેશન છે, જેણે આંતરરાષ્ટ્રીય ગુનેગારોમાં ફાળ પડી છે.
આફ્રિદી ડોની બાલ-પ્રભ દાસુવાલ ગેંગનો અત્યંત જોખમી મોહરો માનવામાં આવતો હતો અને પંજાબ સહિત અન્ય રાજ્યોમાં 30 થી પણ વધુ હત્યા, ખંડણી અને શસ્ત્રોની તસ્કરી જેવા જઘન્ય ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી વર્ષ 2025માં લખનૌથી બનાવેલા નકલી પાસપોર્ટના આધારે ભારતમાંથી ફરાર થઈને યુએઈ પહોંચ્યો હતો. પંજાબ પોલીસે સીબીઆઈ અને ઇન્ટરપોલના સહયોગથી તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરાવી હતી. આંતરરાષ્ટ્રીય પોલીસના વધતા દબાણને કારણે તે એપ્રિલ 2026માં કેન્યા ભાગી ગયો હતો અને ત્યારબાદ નવેમ્બરમાં ઇથોપિયામાં આશ્રય લીધો હતો, જ્યાં પંજાબ પોલીસની વિશિષ્ટ ટીમે 10 મહિના સુધી સતત ડિજિટલ અને ગ્રાઉન્ડ સર્વેલન્સ રાખી તેને શોધી કાઢ્યો હતો.
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે ગેંગસ્ટરોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે કાયદાના હાથ બહુ લાંબા છે અને ગુનો કરીને વિદેશ ભાગી જનારાઓ પણ બચી શકશે નહીં. પંજાબ પોલીસે જાન્યુઆરી 2026થી પોતાના આક્રમક ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં 13 જેટલા ભાગેડુ ગુનેગારોને વિદેશથી ડિપોર્ટ કરાવ્યા છે અને 25 નવી રેડ કોર્નર નોટિસ જારી કરી છે. નોંધનીય છે કે એપ્રિલ 2022થી અત્યાર સુધીમાં પોલીસે 3,339 ગેંગસ્ટરોની ધરપકડ કરી 1,293 ગેંગસ્ટર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, જે દરમિયાન 2,500થી વધુ ગેરકાયદેસર શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના આ કડક આંતરરાષ્ટ્રીય પગલાંથી હવે વિદેશમાં બેસીને ભારતને ધમકાવતા આકાઓનું નેટવર્ક સંપૂર્ણપણે તૂટી રહ્યું છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
