News of Wednesday, 9th September 2026
કેનેડામાં પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી પર ફરી આતંકનો સાયો: મશહૂર ગાયક એમી વિર્ક પર થયો જીવલેણ અંધાધૂંધ ગોળીબાર!
રોલ્સ-રોયસ કારમાં બેઠેલા એમી વિર્ક પર હુમલાખોરોએ સાતથી દસ રાઉન્ડ ફાયરિંગ કર્યું; એબોટ્સફોર્ડ પોલીસની મેજર ક્રાઈમ યુનિટ ટાર્ગેટ શૂટિંગના એંગલથી તપાસમાં જોડાતાં કલાકારોમાં ભયનો માહોલ

ચંદીગઢ, તા. ૦૯: કેનેડાની ધરતી પર પંજાબી કલાકારો અને સંગીતકારો સુરક્ષિત નથી રહ્યા તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. મશહૂર પંજાબી ગાયક અને બોલિવૂડ એક્ટર એમી વિર્ક (અમનિંદરપાલ સિંહ વિર્ક) પર કેનેડાના એબોટ્સફોર્ડ વિસ્તારમાં સનસનાટીભર્યો જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એક મ્યુઝિક શો પૂર્ણ કરીને પરત ફરી રહેલા એમી વિર્ક પોતાની લક્ઝરી કારમાં બેઠા જ હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. સદનસીબે, આ ભયાનક હુમલામાં એમી વિર્ક અને તેમની સાથેના સાથીઓનો આબાદ બચાવ થયો છે.
શો પૂરો કરી રોલ્સ-રોયસમાં બેસતાં જ થયો ગોળીબાર:
મિલી વિગતો અનુસાર, એમી વિર્ક કેનેડામાં પોતાના લાઇવ મ્યુઝિક કન્સર્ટ માટે ગયા હતા. ૫ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે શો પૂરો કરીને તેઓ પોતાની રોલ્સ-રોયસ કુલીનન કારમાં અન્ય ૩ લોકો સાથે બેઠા હતા ત્યારે જ અચાનક હુમલાખોરોએ ત્રાટકીને સાતથી દસ રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. જેમાંથી સાત ગોળીઓ કારની આરપાર નીકળી ગઈ હતી. ગોળીબારની ઘટનાને અંજામ આપીને હુમલાખોરો રાત્રિના અંધારામાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં એબોટ્સફોર્ડ પોલીસની ‘મેજર ક્રાઇમ યુનિટ’ આ કેસની તપાસ કરી રહી છે અને તેને ટાર્ગેટેડ અટેક માનવામાં આવી રહ્યો છે.
બાયોટેકનોલોજીસ્ટમાંથી પંજાબી અને હિન્દી સિનેમાના સુપરસ્ટાર:
૧૧ મે, ૧૯૯૨ના રોજ પંજાબના નાભામાં જન્મેલા એમી વિર્કે બાયોટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, પરંતુ સંગીતના શોખે તેમને પંજાબી સિનેમાના મોહરે લાવી દીધા. ૨૦૧૫માં ‘અંગ્રેઝ’ ફિલ્મથી ડેબ્યૂ કરનાર એમીએ ‘કિસ્મત’, ‘સુફના’, ‘સાંસુનકાન સૌનકાને’ અને ‘નિક્કા ઝૈલદાર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. હવે તેઓ હિન્દી સિનેમામાં પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે.
કેનેડામાં પંજાબી સ્ટાર્સને સતત બનાવાઈ રહ્યા છે નિશાન:
કેનેડામાં પંજાબી કલાકારો પર હુમલાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૪માં પ્રખ્યાત ગાયક એપી ધિલ્લોનના વાનકુવર સ્થિત ઘર પર ૧૪ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૫માં ગાયક પ્રેમ ધિલ્લોનના ઘરને પણ નિશાન બનાવાયું હતું, જ્યારે જુલાઈ ૨૦૨૫માં પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના સરે સ્થિત ‘કેપ્સ કાફે’ બહાર પણ ગોળીબાર થયો હતો. કેનેડામાં સતત વધતી આ ગુંડાતત્વોની હિંસક પ્રવૃત્તિઓએ પંજાબી કલાકારોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થચિહ્ન ઊભો કરી દીધો છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
