<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી ધ્રુજી ઉઠી: અપહરણના ૬ દિવસ બાદ ૨૯ વર્ષીય લોકપ્રિય ગાયિકા ઇન્દર કૌરનો નહેરમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો!

લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દેતાં બંદૂકની અણીએ અપહરણ કરી હત્યા કરાઈ હોવાનો પરિવારનો સનસનીખેજ આક્ષેપ; મુખ્ય આરોપી ગુનો આચરીને કેનેડા ભાગી ગયાની આશંકા

 

લુધિયાણા, તા.૧૯: પંજાબી સંગીત જગતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને કાળજું કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા છ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી પંજાબની ૨૯ વર્ષીય જાણીતી ગાયિકા યશિન્દર કૌર (જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં 'ઇન્દર કૌર' તરીકે પ્રખ્યાત હતી) નો મૃતદેહ લુધિયાણા નજીક આવેલી નીલો નહેરમાંથી મળી આવતા સમગ્ર પંજાબમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મંગળવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ નહેરમાંથી એક યુવતીનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી, ત્યારબાદ ગાયિકાના પરિવારે ઘટનાસ્થળે પહોંચીને તેની ઓળખની પુષ્ટિ કરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમરાલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે ઇન્દર કૌરના ભાઈ જોતિન્દર સિંહે પોલીસમાં અપહરણની આશંકા સાથે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ૧૫ મેના રોજ મોગાના રહેવાસી સુખવિન્દર સિંહ (ઉર્ફે સુખા) અને તેના સાથીદાર કરમજીત સિંહ વિરૂદ્ધ એફઆઈઆર (FIR) નોંધીને તપાસ ચાલુ કરી હતી. પરિવારે આક્ષેપ કર્યો છે કે આ સામાન્ય ગુમશુદગીનો કેસ નથી, પરંતુ એક સુનિયોજિત હત્યાનું કાવતરું છે.

કરિયાણું લેવા નીકળેલી ગાયિકા ક્યારેય ઘરે પાછી ન ફરી

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૩ મેના રોજ સાંજના સમયે ઇન્દર કૌર પોતાની ફોર્ડ ફિગો કાર લઈને ઘરની નજીક કરિયાણું ખરીદવા માટે નીકળી હતી. પરંતુ મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતા અને તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. કોઈ પત્તો ન મળતા આખરે પરિવારે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. તપાસ દરમિયાન પરિવારને જાણવા મળ્યું કે ઇન્દર કૌર મોગા જિલ્લાના ભાલુર ગામના સુખવિંદર સિંહને ઓળખતી હતી. સુખવિંદર ઇન્દર સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ ઇન્દરે આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો.

એકતરફી પ્રેમમાં હત્યા બાદ આરોપી કેનેડા ભાગી ગયો હોવાનો દાવો

ગાયિકાના ભાઈ જોતિન્દર સિંહે દાવો કર્યો છે કે લગ્નનો ઇનકાર સહન ન થતાં આરોપીઓએ ઇન્દરનું બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું અને ત્યારબાદ અંગત અદાવતમાં તેની કરપીણ હત્યા કરીને લાશ નહેરમાં ફેંકી દીધી હતી. મીડિયા અહેવાલો અનુસાર, મુખ્ય આરોપી સુખવિંદર સિંહ આ ઘટનાને અંજામ આપ્યા બાદ તુરંત જ ફ્લાઇટ પકડીને કેનેડા ભાગી ગયો છે, તે આ ગુનાને અંજામ આપવા માટે જ થોડા દિવસો પહેલા કેનેડાથી પંજાબ આવ્યો હતો. હાલ પોલીસ આ આંતરરાષ્ટ્રીય કનેક્શન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે.

(3:41 PM IST)