તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
વડાપ્રધાન મોદીના ૭૬મા જન્મદિને પુતિનનો ખાસ 'દ્રુઝબા-દોસ્તી' સંદેશ: અસાધારણ રાજકીય સમજદારી અને મિત્રતાની પ્રશંસા કરી
દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટના ભવ્ય આતિથ્ય બદલ આભાર માન્યો; ભારત અને રશિયા વચ્ચેના "વિશેષ અને વિશેષાધિકૃત" સંબંધોને વધુ ગાઢ બનાવવાની પુતિને વ્યક્ત કરી પ્રતિબદ્ધતા

નવી દિલ્હી, તા.૧૭: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ૭૬મા જન્મદિન પર હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. પુતિને ભારત અને રશિયા વચ્ચેની "વિશેષ અને વિશેષાધિકૃત" વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવામાં વડાપ્રધાન મોદીના વ્યક્તિગત યોગદાન અને નેતૃત્વની ભારે સરાહના કરી હતી. આ સિવાય, ગયા અઠવાડિયે નવી દિલ્હી ખાતે યોજાયેલી ૧૮મી BRICS સમિટ દરમિયાન રશિયન પ્રતિનિધિમંડળને આપવામાં આવેલા શાનદાર આતિથ્ય સત્કાર બદલ પુતિને ખાસ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ભારતમાં આવેલા રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પુતિનનો આ ખાસ શુભેચ્છા સંદેશ શેર કર્યો હતો. આ પોસ્ટમાં '#DruzhbaDosti' (દ્રુઝબા-દોસ્તી) હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રશિયન અને હિન્દી ભાષાના મિત્રતા દર્શાવતા શબ્દોનું સુંદર મિશ્રણ છે. પોતાના સંદેશમાં પુતિને લખ્યું કે, "વૈશ્વિક મંચ પર તમારો મોટો પ્રભાવ અને દેશવાસીઓ તરફથી મળતો ઊંડો આદર સંપૂર્ણપણે યોગ્ય છે. તાજેતરમાં આપણી વચ્ચે થયેલી વાતચીત અત્યંત ફળદાયી રહી હતી અને તમારી સાથેની ચર્ચા તમારી અસાધારણ રાજકીય સમજદારી અને દૂરદર્શિતા દર્શાવે છે."
ઉલ્લેખનીય છે કે, ૧૨-૧૩ સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી BRICS સમિટ બાદ બંને નેતાઓએ મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન એક જ કારમાં સાથે મુસાફરી કરીને 'ઇનોપ્રોમ' (INNOPROM) પ્રદર્શનમાં પહોંચ્યા હતા. આ જ પ્રકારનું કેમિસ્ટ્રી અને ગાઢ મિત્રતા બંને નેતાઓ વચ્ચે અગાઉ કિર્ગિસ્તાનમાં SCO સમિટ દરમિયાન પણ જોવા મળી હતી. બંને દેશો આવનારા દાયકામાં 'દ્રુઝબા-દોસ્તી' વિઝન હેઠળ સંબંધોને વધુ મજબૂત કરવા આતુર છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
