<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ક્વોન્ટમ ટેકનોલોજીના માંધાતા ડૉ. પ્રેમ કુમારની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં મોટી વરણી: એન્જિનિયરિંગ વિભાગના વચગાળાના અધ્યક્ષ તરીકે સંભાળશે જવાબદારી

IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક હવે અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાં સંશોધન અને વહીવટનું નેતૃત્વ કરશે: ક્વોન્ટમ નેટવર્કિંગ ક્ષેત્રે તેમના નામે છે અનેક સિદ્ધિઓ

શિકાગો: તા.૦૮ અમેરિકાની પ્રતિષ્ઠિત નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીએ ભારતીય મૂળના ભૌતિકશાસ્ત્રી અને ક્વોન્ટમ કોમ્યુનિકેશનના નિષ્ણાત ડૉ. પ્રેમ કુમારની ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વચગાળાના અધ્યક્ષ (Interim Chair) તરીકે નિમણૂક કરી છે. ૧ સપ્ટેમ્બરથી તેઓ પોતાનો કાર્યભાર સંભાળશે. ડૉ. કુમાર રૈન્ડલ બેરીનું સ્થાન લેશે, જેઓ બે ટર્મ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ પદ છોડી રહ્યા છે.
ડૉ. પ્રેમ કુમાર ૧૯૮૬થી નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી સાથે જોડાયેલા છે અને હાલમાં તેઓ 'સેન્ટર ફોર ફોટોનિક કોમ્યુનિકેશન એન્ડ કોમ્પ્યુટિંગ'ના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું મુખ્ય સંશોધન ક્વોન્ટમ કોમ્યુનિકેશન, ઓપ્ટિકલ સિસ્ટમ્સ અને સુરક્ષિત નેટવર્કિંગ પર કેન્દ્રિત છે. તેમની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન અમેરિકાની સંરક્ષણ એજન્સી DARPA માં પ્રોગ્રામ મેનેજર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમની શૈક્ષણિક સફર અત્યંત પ્રભાવશાળી રહી છે. તેમણે ૧૯૭૪માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને ૧૯૭૬માં આઈઆઈટી (IIT) કાનપુર જેવી ખ્યાતનામ સંસ્થામાંથી ફિઝિક્સમાં એમ.એસસી. કર્યું હતું. ત્યારબાદ ૧૯૮૦માં ન્યૂયોર્કની સ્ટેટ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. નોર્થવેસ્ટર્ન એન્જિનિયરિંગના ડીન ક્રિસ્ટોફર શૂએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના આ બદલાતા યુગમાં ડૉ. કુમારનું નેતૃત્વ વિભાગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ડૉ. પ્રેમ કુમાર માત્ર એક શિક્ષક જ નહીં, પરંતુ અનેક આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓના 'ફેલો' પણ છે. ક્વોન્ટમ લાઈટના ઉપયોગથી અત્યંત સચોટ માપન અને ડેટા સિક્યુરિટી ક્ષેત્રે તેમણે કરેલું કામ આજના યુગમાં ખૂબ જ મહત્વનું મનાય છે. શૈક્ષણિક જગતમાં એક ભારતીયનું આટલું ઉંચુ પદ મેળવવું એ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.

(3:54 PM IST)