હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ હવે જ્વેલરી માર્કેટમાં પણ પગપેસારો
ગ્રોસરીની ટોપલીમાં હવે જ્વેલરીનો પણ ઉમેરો! કંપનીઓએ કમાણી વધારવા શોધ્યો નવો રસ્તો : ક્વિક ડિલિવરી પ્લેટફોર્મ્સ પર ૭૦થી વધુ પ્રીમિયમ જ્વેલરી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બની

મુંબઇ તા.૩૧: અત્યાર સુધી શાકભાજી, દૂધ, કરિયાણા અને ઘરવપરાશની વસ્તુઓ મિનિટોમાં ઘરે પહોંચાડતાં ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ હવે જ્વેલરી માર્કેટમાં પણ પગપેસારો કરી રહ્યાં છે. હવે ગ્રાહકોને ઇયરિગ્સ, પેન્ડન્ટ્સ અને અન્ય ફેશન જ્વેલરીની ડિલિવરી માટે દિવસો સુધી રાહ જોવી નહીં પડે. ક્વિક ડિલિવરી પ્લેટફોર્મ્સ પર ૭૦થી વધુ પ્રીમિયમ જ્વેલરી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બની છે. આ પ્રોડક્ટ્સની કિમત અંદાજે રૂ. ૧,૬૯૯થી રૂ. ૧૫,૦૦૦ સુધીની છે.
આ બદલાવ પાછળ પ્લેટફોર્મ્સનો મુખ્ય હેતુ માત્ર નવી પ્રોડક્ટ્સ વેચવાનો નથી, પરંતુ દરેક ઓર્ડરનું મૂલ્ય એટલે કે બાસ્કેટ વેલ્યૂ (Basket Value) વધારવાનો પણ છે. ગ્રાહકોને તાત્કાલિક ખરીદીની સુવિધા મળશે, જ્યારે કંપનીઓને હાલના ડિલિવરી નેટવર્કનો ઉપયોગ કરીને વધુ આવક મેળવવાની તક મળશે.
ક્વિક કોમર્સ કંપનીઓ અત્યાર સુધી મુખ્યત્વે દૈનિક જરૂરિયાતની વસ્તુઓની ઝડપી ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. હવે તેઓ પોતાની પ્રોડક્ટ કેટેગરીમાં જ્વેલરી અને ફેશન એક્સેસરીઝનો ઉમેરો કરી રહી છે. તેમાં ઇયરિગ્સ, ગોલ્ડ-પ્લેટેડ પેન્ડન્ટ્સ, નેકલેસ અને અન્ય આકર્ષક ડિઝાઇનની જ્વેલરીનો સમાવેશ થાય છે.
આ પ્રોડક્ટ્સમાં ખાસ કરીને ડેમી-ફાઇન (Demi-fine) જ્વેલરીની માંગને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. આ જ્વેલરી પરંપરાગત કિમતી જ્વેલરી કરતાં સસ્તી હોય છે, પરંતુ તેની ડિઝાઇન અને દેખાવ પ્રીમિયમ હોય છે. હાલ વિવિધ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ પર જાણીતી કંપનીઓની ૭૦થી વધુ પ્રીમિયમ બ્રાન્ડ્સની જ્વેલરી લિસ્ટેડ છે.
ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ જ્વેલરીની કિમત સામાન્ય રીતે રૂ. ૧,૬૯૯થી રૂ. ૧૫,૦૦૦ વચ્ચે છે. તેમાં ૯૨૫ સ્ટર્લિગ સિલ્વર (Sterling Silver), સ્ટેનલેસ સ્ટીલ અને પિત્તળ (Brass) જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધાતુઓ પર ગોલ્ડ અથવા રોડિયમ પ્લેટિગ કરવામાં આવે છે, જેથી જ્વેલરીને આકર્ષક અને પ્રીમિયમ લુક મળે.
આ પ્રકારની જ્વેલરી એવા ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે, જેઓ ઓછી કિમતમાં સ્ટાઇલિશ અને સારી ડિઝાઇનવાળી એક્સેસરીઝ ખરીદવા માગે છે. ખાસ કરીને છેલ્લી ઘડીએ ગિફટ ખરીદવાની જરૂર પડે ત્યારે ઝડપી ડિલિવરીનો વિકલ્પ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ક્વિક કોમર્સ કંપનીઓ માટે જ્વેલરીનો સમાવેશ કરવાનો સૌથી મોટો ફાયદો બાસ્કેટ વેલ્યૂ વધારવાનો છે. ઉદાહરણ તરીકે, કોઈ ગ્રાહક રૂ. ૫૦૦ની કરિયાણાની વસ્તુઓ ખરીદે અને તેની સાથે રૂ. ૧,૫૦૦નું પેન્ડન્ટ પણ ઉમેરે તો તેનો કુલ ઓર્ડર રૂ. ૨,૦૦૦નો થઈ જાય છે.
આ રીતે કંપનીઓને દરેક ઓર્ડર પર વધુ આવક મેળવવાની તક મળે છે. જ્વેલરી વજનમાં હલકી હોય છે અને તેને સ્ટોર કરવા માટે પણ વધારે જગ્યા જોઈતી નથી. પરિણામે ડિલિવરી ખર્ચ અને વેરહાઉસ (Warehouse) પર વધારાનું ભારણ પ્રમાણમાં ઓછું રહી શકે છે.
જોકે, કંપનીઓનો વાસ્તવિક નફો ડિસ્કાઉન્ટ, બ્રાન્ડ કમિશન, ઇન્વેન્ટરી ખર્ચ અને રિટર્ન જેવી બાબતો પર આધારિત રહેશે. જ્વેલરીમાં વધુ માર્જિનથી કંપનીઓને ફાયદો ક્વિક કોમર્સ કંપનીઓ પહેલેથી જ ડાર્ક સ્ટોસý (Dark Stores), ડિલિવરી પાર્ટનર્સ અને ટેકનોલોજી આધારિત નેટવર્ક ઊભું કરી ચૂકી છે. હવે આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તેઓ વધુ કેટેગરીની પ્રોડક્ટ્સ ગ્રાહકો સુધી પહોંચાડવા માગે છે.
જ્વેલરી જેવી પ્રોડક્ટ્સમાં કેટલીક દૈનિક ઉપયોગની વસ્તુઓની સરખામણીએ ગ્રોસ માર્જિન (Gross Margin) વધારે હોઈ શકે છે. તેથી કંપનીઓને ઓર્ડર દીઠ કમાણી વધારવાની તક મળે છે. સાથે જ ગ્રાહકને અલગથી બીજી એપ પર જઈને ખરીદી કરવાની જરૂર રહેતી નથી.
જ્વેલરીની ખરીદી માત્ર વ્યક્તિગત ઉપયોગ પૂરતી મર્યાદિત નથી. જન્મદિવસ, લગ્નપ્રસંગ, તહેવારો, ઓફિસ સેલિબ્રેશન અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં પણ જ્વેલરી ગિફટ તરીકે આપવામાં આવે છે.
આવા પ્રસંગોમાં ઘણી વખત છેલ્લી ઘડીએ ગિફટ ખરીદવાની જરૂર પડે છે. ત્યારે એક કે બે દિવસની રાહ જોવાને બદલે થોડી જ મિનિટોમાં જ્વેલરી ઘરે મળી જાય તો ગ્રાહકો માટે આકર્ષક વિકલ્પ બની શકે છે. વિવિધ બ્રાન્ડ્સ અને ડિઝાઇન એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોવાથી પસંદગી પણ સરળ બને છે.
હાલ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ મુખ્યત્વે ડેમી-ફાઇન અને પ્રમાણમાં સસ્તી જ્વેલરી પર ધ્યાન આપી રહ્યાં છે. જોકે, ગ્રાહકોમાં આ પ્રકારની ઝડપી ખરીદીની આદત વધશે તો ભવિષ્યમાં વધુ ઊંચી કિમત ધરાવતી જ્વેલરીની કેટેગરીમાં પણ વિસ્તરણ થઈ શકે છે.
એકંદરે, ક્વિક કોમર્સ કંપનીઓ હવે માત્ર ઝડપથી સામાન પહોંચાડવાના મોડલથી આગળ વધીને ગ્રાહકોની દરેક ખરીદીમાંથી વધુ આવક મેળવવાની વ્યૂહરચના અપનાવી રહી છે. શાકભાજી અને કરિયાણા બાદ જ્વેલરીની એન્ટ્રી આ બદલાતી બજારનીતિનો નવો સંકેત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
