<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

તમાકુ છૂટે તો બે કરોડ પરિવારનો આર્થિક દરજ્‍જો સુધરે

૧.૭ કરોડ ગ્રામીણ પરિવારો, ૩૫ લાખ શહેરી પરિવારો ઉચ્‍ચ આર્થિક વર્ગમાં આવી શકેઃ રીપોર્ટ

નવી દિલ્‍હી,તા.૨૨:  ભારતમાં તમાકુનું વ્‍યસન છોડવાથી ૧૧.૫ ટકા અથવા ૨.૦૫ કરોડ પરિવારોના આર્થિક દરજ્‍જામાં સુધારો કરવામાં મદદ મળી શકે છે અને તેઓ ઉચા આર્થિક વર્ગમાં સામેલ થઈ શકે છે. ગ્રામીણ વિસ્‍તારો અને સૌથી ગરીબ પરિવારોને સૌથી વધુ આર્થિક લાભ થવાની ધારણા છે. તમાકુ છોડવાથી મધ્‍ય આવક ધરાવતા આશરે ૭૦ લાખ પરિવારોને પણ આવો ફાયદો થઈ છે, એવો બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ) ગ્‍લોબલ હેલ્‍થમાં પ્રકાશિત  રિપોર્ટમાં અંદાજ મૂકાયો છે.

મુંબઈની ટાટા ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ સોશિયલ સાયન્‍સિસ અને નોઇડામાં ઇન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)-નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ કેન્‍સર પ્રિવેન્‍શન એન્‍ડ રિસર્ચ (NICPR)ના સંશોધકો સહિત સંશોધકોએ જણાવ્‍યું હતું કે,તમાકુ સંબંધિત રોગોની સારવાર માટે જંગી ખર્ચ થાય છે.

આનાથી દર વર્ષે વૈશ્વિક આર્થિક નુકસાન એક ટ્રિલિયન ડોલર જેટલુ થાય છે. તમાકુના આશરે ૮૦ ટકા વ્‍યસનીઓ ઘરેલુ આવકનો મોટો હિસ્‍સો તમાકુ પ્રોડક્‍ટ્‍સ માટે ખર્ચે છે.

આ એનાલિસિસમાં ઇન્‍ડિયન નેશનલ સેમ્‍પલ સર્વે (NSS) ૨૦૨૨-૨૩ના ઘરેલુ વપરાશ સર્વ (HCES) આધારિત આશરે ૨.૬૧ લાખ પરિવારોનું વિશ્‍લેષણ કરાયું હતું. તેના આધારે તમાકુ છોડવાથી પરિવારોને લાંબા ગાળે કેટલો આર્થિક લાભ થાય છે અને કેટલાં પરિવારોને ગરીબીમાથી બહાર કાઢી શકાય છે તેનો અંદાજ મૂકવામાં આવ્‍યો હતો.

તમાકુ છોડવાથી કુલ ૨.૦૪ કરોડ પરિવારો ઉચ્‍ચ આર્થિક વર્ગમાં સામેલ થઈ શકે છે. ગ્રામીણ વિસ્‍તારમાં ૧.૭ કરોડ પરિવારો અને શહેરી વિસ્‍તારોમાં ૩૫ લાખ પરિવારોની આર્થિક સ્‍થિતિ સુધરી શકે છે.

રીપોર્ટ મુજબ ગરીબ પરિવારો તમાકુ પાછળ સૌથી વધુ એટલે કે કુલ માસિક આવકનો આશરે ૬.૪ ટકા ખર્ચ કરે છે. ગ્રામીણ પરિવારો કુલ આવકનો આશરે ૬.૬ ટકા ખર્ચ તમાકુ પાછળ કરે છે. આ ઉપરાંત મધ્‍યમ આવક ધરાવતા પરિવારો તેમની આવકના ૩.૬ ટકા ખર્ચ તમાકુ પાછળ કરે છે. ધનિક પરિવારોનો તમાકુ પાછળનો ખર્ચ તેમની આવકના ૨.૮ ટકા અને સૌથી ધનિક પરિવારોનો આ ખર્ચ ૨ ટકા છે. આમ સૌથી ગરીબ પરિવાર સૌથી વધુ ખર્ચ તમાકુ પાછળ કરે છે.

 

(9:54 AM IST)