તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
પાલઘરના વાઢવણ પોર્ટ નજીક સાકાર થશે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો મેગા કેમિકલ પાર્ક: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકાર પાસે માગી મંજૂરી
રાજ્ય સરકાર દ્વારા ૨,૫૦૦ થી ૫,૦૦૦ એકર જમીન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત; કેન્દ્રના ૧,૦૦૦ કરોડ અને રાજ્યના ૫૦૦ કરોડના સહયોગથી ઔદ્યોગિક વિકાસને મળશે નવી ગતિ.

મુંબઈ : મહારાષ્ટ્રના ઔદ્યોગિક ક્ષેત્રમાંથી એક અત્યંત મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાલઘર જિલ્લાના ચકચારી અને મહત્વાકાંક્ષી વાઢવણ પોર્ટની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને અભૂતપૂર્વ વેગ આપવાના હેતુસર મહારાષ્ટ્ર સરકારે અહીં દેશનો સૌથી મોટો 'મેગા કેમિકલ પાર્ક' સ્થાપવાની ભવ્ય યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર પાસે સત્તાવાર મંજૂરી માગી છે અને રાજ્ય સરકાર તરફથી આ પ્રોજેક્ટ માટે ૨,૫૦૦ થી ૫,૦૦૦ એકર સુધીની વિશાળ જમીન વિનાવિલંબ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી છે.
ગોરેગાંવના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત ‘ઈન્ડિયા કેમ ૨૦૨૬’ ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ફડણવીસે આ મોટી જાહેરાત કરી હતી. તેમણે કેમિકલ પાર્ક યોજના બદલ કેન્દ્ર સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક આગળ ધપાવવાની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છે અને વાઢવણ પોર્ટનું નિર્માણ કાર્ય પણ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જવાની પૂરી અપેક્ષા છે. પ્રસ્તાવિત કેમિકલ પાર્ક માટે પાલઘરના દહાણુ તાલુકાનો વિસ્તાર સૂચવવામાં આવ્યો છે, જે પર્યાવરણીય રીતે સંવેદનશીલ હોવાથી જરૂરી નિયમનકારી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ પ્રોજેક્ટની નાણાકીય રૂપરેખા સ્પષ્ટ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બજેટમાં જાહેર કરાયેલી ‘ભવ્ય રસાયણ’ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ૧,૦૦૦ કરોડ રૂપિયા અને મહારાષ્ટ્ર સરકાર ૫૦૦ કરોડ રૂપિયાનું આર્થિક યોગદાન આપશે. આ ઉપરાંત પર્યાવરણીય મંજૂરીઓની જટિલ પ્રક્રિયામાં પણ કેન્દ્ર સરકાર પૂરો સહયોગ પૂરો પાડશે. વાઢવણ પોર્ટ અને આ નવા કેમિકલ પાર્કના સંયુક્ત વિકાસથી બંદર આધારિત લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક એકમો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે, જેનાથી રાજ્યના અર્થતંત્રને જબરદસ્ત વેગ મળશે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
