News of Saturday, 25th April 2026
રાઘવ ચઢ્ઢાનો AAP પર વળતો પ્રહાર: "પક્ષપલટો ડરથી નહીં, પણ ભ્રષ્ટાચારથી કંટાળીને કર્યો છે", કેસરિયા ધારણ કર્યા બાદ પહેલીવાર મૌન તોડ્યું
"AAP હવે પ્રામાણિક લોકો માટે રહી નથી"; એકસાથે 7 સાંસદોએ પક્ષ કેમ છોડ્યો તેનું કારણ જણાવતા રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ એન્ડ કંપનીને લીધી આડેહાથ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. AAP ના નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા 'ડરના માર્યા ભાજપમાં ગયા' હોવાના આરોપોનો જડબાતોડ જવાબ આપતા રાઘવ ચઢ્ઢાએ શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે, તેમનો આ નિર્ણય કોઈ ડર કે દબાણને વશ થઈને નથી, પરંતુ પાર્ટી પ્રત્યેની ભારોભાર નિરાશા અને પક્ષમાં વ્યાપેલી ગેરરીતિઓને કારણે લીધેલો છે.
પત્રકારો સાથેની વાતચીતમાં રાઘવ ચઢ્ઢાએ AAP ના નેતૃત્વ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "આજે દેશનો દરેક એવો સાચો દેશભક્ત જેણે પોતાના લોહી-પરસેવાથી આ પાર્ટીને ઉભી કરી હતી, તે હવે પક્ષ છોડી રહ્યો છે. જે આશા અને અપેક્ષાઓ સાથે લોકો જોડાયા હતા, તે હવે ધૂળમાં મળી ગઈ છે." તેમણે ઉમેર્યું કે કોઈ પણ મહેનતુ અને પ્રામાણિક વ્યક્તિ માટે હવે આમ આદમી પાર્ટીમાં કોઈ જગ્યા બચી નથી, કારણ કે પક્ષ હવે પોતાના મૂળ સિદ્ધાંતોથી ભટકીને ખોટા રસ્તે જઈ રહ્યો છે.
૭ સાંસદોએ પક્ષ કેમ છોડ્યો? રાઘવે આપ્યું કારણ:
પક્ષપલટાના બચાવમાં તર્ક આપતા ચઢ્ઢાએ જણાવ્યું કે, "જ્યારે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને લાગે કે પક્ષ ભ્રષ્ટ અને સમાધાનકારી તત્વોના હાથમાં જતો રહ્યો છે, ત્યારે બંધારણ તેમને પક્ષ છોડવાનો અધિકાર આપે છે. અહીં વાત માત્ર એક કે બેની નથી, પણ એકસાથે ૭ સાંસદોએ પાર્ટી છોડવાનું મન બનાવ્યું છે. આ સાબિત કરે છે કે AAP ની અંદર હવે કંઈ જ બરાબર નથી અને સંગઠન ભ્રષ્ટાચારના ગૂંચળામાં ફસાઈ ગયું છે."
"નારાજગી છે, ડર નથી":
AAP ના નેતાઓ દ્વારા એવો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે કેન્દ્રીય એજન્સીઓના ડરથી રાઘવ ચઢ્ઢા ભાજપના શરણે ગયા છે. આ મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું, "જે લોકો કહી રહ્યા છે કે અમે ડરના લીધે પક્ષ છોડ્યો, તેમને હું કહી દઉં કે અમે ડર્યા નથી પણ નારાજ થયા છીએ. અમે AAP થી ડરીને નહીં, પણ તેનાથી નિરાશ થઈને પક્ષ છોડ્યો છે. જે પક્ષમાં કામ કરવાની કોઈ કદર ન હોય અને નેતૃત્વ માત્ર સત્તાના નશામાં ચૂર હોય, ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી." રાઘવ ચઢ્ઢાના આ નિવેદન બાદ હવે રાષ્ટ્રીય રાજકારણમાં AAP અને ભાજપ વચ્ચે જંગ વધુ તેજ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
