<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાનો દબદબો વધ્યો: રાજ્યસભાની શક્તિશાળી કમિટીના ચેરમેન બન્યા

આમ આદમી પાર્ટી છોડીને કેસરિયા કરનારા રાઘવ ચઢ્ઢાને સંસદમાં મળી મોટી લોટરી : ઉપરાષ્ટ્રપતિએ અરજી સમિતિના અધ્યક્ષ બનાવી રાજકીય કદમાં ધરખમ વધારો કર્યો

 નવી દિલ્હી : તાજેતરમાં જ આમ આદમી પાર્ટી  સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું રાજકીય કદ સડસડાટ વધી ગયું છે. ભાજપમાં જોડાવાના ટૂંકા ગાળામાં જ તેમને સંસદની અત્યંત મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી 'અરજી સમિતિ' ના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, સંસદના ઉપલા ગૃહના અધ્યક્ષ દ્વારા આ નવી સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે, જે ૨૦ મે, ૨૦૨૬ થી અમલી બની ચૂકી છે.

આ સંસદીય સમિતિ સીધી રીતે દેશની આમ જનતા સાથે જોડાયેલી છે, જે નાગરિકો તરફથી આવતી ગંભીર ફરિયાદો અને અરજીઓ પર સીધો વિચાર-વિમર્શ કરીને કેન્દ્ર સરકારને કડક ભલામણો મોકલે છે. રાઘવ ચઢ્ઢાની અધ્યક્ષતાવાળી આ હાઈપ્રોફાઈલ સમિતિમાં હર્ષ મહાજન, ગુલામ અલી, શંભુ શરણ પટેલ અને મયંકકુમાર નાયક સહિત દેશના વિવિધ પક્ષોના ૧૦ દિગ્ગજ સાંસદોને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાજકીય વિશ્લેષકો આ નિમણૂકને આગામી સંસદ સત્ર પૂર્વે ભાજપ હાઈકમાન્ડનો ચઢ્ઢા પરનો અગાધ વિશ્વાસ અને મોટો શિરપાવ માની રહ્યા છે.

આ સાથે જ સંસદીય કામકાજને વેગ આપવા માટે અન્ય એક મહત્વની જાહેરાતમાં પ્રખ્યાત કાનૂનવિદ મેનકા ગુરુસ્વામીને 'કોર્પોરેટ કાયદા (સુધારા) બિલ, ૨૦૨૬' પર બનેલી સંયુક્ત સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિપક્ષમાંથી સત્તાપક્ષમાં આવેલા રાઘવ ચઢ્ઢાને આટલી મહત્વની જવાબદારી સોંપાતા હવે સંસદના આગામી સત્રમાં સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા વિપક્ષી દળોને ઘેરવા માટે ભાજપ તેમની વક્તા તરીકેની કુશળતાનો મોટો લાભ ઉઠાવશે તે નક્કી છે.

(5:35 PM IST)