<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ચૂંટણી કાર્ડ વિવાદમાં રાઘવ ચઢ્ઢા: પંજાબની SIR મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં રાજ્યસભા સભ્યપદ પર સંકટના વાદળો?

ડ્રાફ્ટ લિસ્ટમાં 'પરમેનન્ટલી શિફ્ટેડ' દર્શાવાતા ચઢ્ઢાએ AAP પર લગાવ્યો બદલાની રાજનીતિનો આરોપ; આપનો પલટવાર - "ચૂંટણી પંચની પ્રક્રિયામાં સરકારનો કોઈ હાથ નથી"

નવી દિલ્હી | તા.૦૩:  પંજાબમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન પ્રકાશિત થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ નીકળી જતાં મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે. ૧૩ ઓગસ્ટે જાહેર કરાયેલી ડ્રાફ્ટ યાદીમાં તેમનું નામ 'ગેરહાજર, ટ્રાન્સફર્ડ, ડેસ્ડ અને ડુપ્લિકેટ' (ASDD) શ્રેણીમાં "કાયમી રૂપે શિફ્ટ થયેલા" દર્શાવવામાં આવ્યું છે. આ વિવાદ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું રાઘવ ચઢ્ઢાએ પોતાનું સંસદ સભ્યપદ ગુમાવવું પડશે? 

રાઘવ ચઢ્ઢાએ પંજાબની આપ (AAP) સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર સખત પ્રહારો કરતા આને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી છે. તેમણે જણાવ્યું કે, જનપ્રતિનિધિ તરીકે તેમના નામને ખાસ પ્રોટેક્ટેડ યાદીમાં રાખીને જ ચકાસણી કરવાની ચૂંટણી પંચની સ્પષ્ટ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ માત્ર ડ્રાફ્ટ યાદી હોવાથી તેઓ ૧૨ સપ્ટેમ્બર સુધીમાં વાંધા અરજી દાખલ કરીને આ ભૂલ સુધરાવશે. 

બીજી તરફ, આમ આદમી પાર્ટીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આપના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે SIR પ્રક્રિયા સંપૂર્ણપણે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે, જેમાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ચઢ્ઢા હવે દિલ્હીમાં રહે છે, તેથી મત ટ્રાન્સફર કરવાની જવાબદારી તેમની પોતાની હતી. આ સાથે જ આપે આક્ષેપ કર્યો છે કે ચઢ્ઢા દિલ્હીના રાજેન્દ્ર નગરમાંથી બેકડેટેડ પ્રોસેસ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

શું સભ્યપદ રદ થઈ શકે?
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ (Representation of the People Act, 1951) ની કલમ ૩ મુજબ, કોઈ પણ વ્યક્તિને દેશના કોઈપણ સંસદીય મતવિસ્તારમાં નોંધાયેલ મતદાર હોવું અનિવાર્ય છે. ૨૦૦૩ના સુધારા બાદ તે ચોક્કસ રાજ્યનો મતદાર હોવાની શરત દૂર કરવામાં આવી હતી, પરંતુ દેશમાં ક્યાંક પણ માન્ય મતદાર હોવું જરૂરી છે. હાલ પંજાબની યાદી માત્ર 'ડ્રાફ્ટ' તબક્કે હોવાથી તેમનું સભ્યપદ તુરંત જતું નથી. જો કે, જો અંતિમ યાદી સુધી તેઓ દેશના કોઈ પણ ખૂણે મતદાર તરીકે નોંધાયેલા નહીં રહે, તો જ તેમના સભ્યપદ પર કાનૂની સંકટ આવી શકે છે.

(3:56 PM IST)