તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
રાહુલ ગાંધીને ઝટકોઃ પીએમ મોદી વિરૂધ્ધ ‘ચોરોના સરદાર' નિવેદન મામલે માનહાનિ કેસ રદ કરવાની અરજી ફગાવી
પીએમ મોદી સામે અયોગ્ય શબ્દોનો પ્રયોગ મામલે હવે ટ્રાયલ કોર્ટમાં ચાલશે કેસઃ ભાજપ કાર્યકર મહેશ શ્રીશ્રીમલની ફરિયાદ પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

મુંબઈ, તા.૮: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અગાઉ કરવામાં આવેલી ચોરોના સરદાર અને કમાન્ડર-ઈન-ચોર જેવી કથિત ટિપ્પણી બદલ તેમની સામે નોંધાયેલી માનહાનિની ફરિયાદને રદ કરવાની માંગ કરતી અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે.
વર્ષ ૨૦૧૮માં રફાલ વિમાન સોદા અને ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને આક્રમક ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓ સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ગિરગાંવ (મુંબઈ)ના રહેવાસી મહેશ શ્રીશ્રીમલે મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ જારી કર્યા હતા, જેને રદ કરાવવા રાહુલ ગાંધીએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
ફરિયાદી મહેશ શ્રીશ્રીમલ અને મહારાષ્ટ્ર સરકાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે ભાજપ એક નોંધાયેલ રાષ્ટ્રીય રાજકીય પક્ષ હોવાથી તે એક સંગઠિત જૂથ છે. વડાપ્રધાનને ચોરોના સરદાર કે કમાન્ડર-ઈન-ચોર કહેવાથી ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સભ્યોનું અપમાન થાય છે અને તેમની છબી ખરડાય છે. જેથી કોઈપણ કાર્યકરને કાનૂની કાર્યવાહી કરવાનો પૂર્ણ અધિકાર છે.રાહુલ ગાંધીના વકીલ સુદીપ પાસબોલાએ દલીલ કરી હતી કે આ ટિપ્પણીમાં ભાજપ કે કોઈ ચોક્કસ જૂથનું નામ લેવામાં આવ્યું ન હતું. ઉપરાંત, અરજદાર આ કેસમાં સીધા અસરગ્રસ્ત પક્ષકાર ન હોવાથી તેમને કેસ કરવાનો અધિકાર નથી. તેમણે આ કેસને રાજકીય હેતુથી કરવામાં આવેલો ગણાવ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટના સિંગલ જજ જસ્ટિસ નીતિન બોરકરે ફેબ્રુઆરી મહિનામાં સુનાવણી પૂર્ણ કરીને પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે માનહાનિની કાર્યવાહી રદ કરી શકાય નહીં.
આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ હવે નીચલી અદાલતમાં (મેજિસ્ટ્રેટ કોર્ટ) આ ફોજદારી માનહાનિ કેસનો સામનો કરવો પડશે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
