હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મતદાર નોંધણીના ફોર્મ-૬માં ફેરફાર મુદ્દે રાહુલ ગાંધીનો ચૂંટણીપંચને સવાલ : ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને આ ફેરફારનો આદેશ કોણે આપ્યો?
કંપની પર કોઈ દબાણ હતું કે નહિં? વિપક્ષે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી : રાહુલ ગાંધીના દાવા મુજબ, ચૂંટણીપંચના પોતાના બે ચૂંટણી આયુક્તોએ પણ આ પ્રકારના ફેરફાર અંગે વાંધો નોંધાવ્યો હતો

નવી દિલ્હી તા.૧ : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર નોંધણી માટેના ઓનલાઈન ફોર્મ-૬માં થયેલા ફેરફારને લઈને ચૂંટણીપંચ અને ટેકનિકલ કામગીરી સંભાળતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે આ ફેરફારનો આદેશ ચૂંટણીપંચમાં કોણે આપ્યો અને કંપની પર કોઈ દબાણ હતું કે નહીં.
નવી દિલ્હીથી મળતી વિગતો મુજબ મતદાર નોંધણી માટે ઉપયોગમાં લેવાતા ઓનલાઈન ફોર્મ-૬માં વધારાની જાહેરાત ઉમેરવામાં આવી હોવાના મુદ્દે રાજકીય વિવાદ વધુ ગરમાયો છે. રાહુલ ગાંધીએ આ ફેરફારને ગેરકાયદેસર ગણાવી ચૂંટણીપંચ પાસે ખુલાસો માંગ્યો છે.
તેમણે સવાલ કર્યો છે કે ચૂંટણીપંચમાં કોણે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને ફોર્મ-૬માં ફેરફાર કરવા કહ્યું હતું, કંપનીમાં કોણે તેને મંજૂરી આપી હતી અને શું કંપની ઉપર કોઈ પ્રકારનું દબાણ હતું. રાહુલ ગાંધીના દાવા મુજબ, ચૂંટણીપંચના પોતાના બે ચૂંટણી આયુક્તોએ પણ આ પ્રકારના ફેરફાર અંગે વાંધો નોંધાવ્યો હતો.
વિવાદનું મૂળ મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા સાથે જોડાયેલું છે. વધારાની જાહેરાતમાં અરજદાર કે તેના માતા-પિતા અથવા દાદા-દાદીનું નામ અગાઉની મતદાર યાદીમાં હતું કે નહીં, તેવી માહિતી માંગવામાં આવતી હતી. વિપક્ષનો આક્ષેપ છે કે કાયદાકીય પ્રક્રિયા વિના આવો ફેરફાર કરી શકાય નહીં.
ચૂંટણીપંચ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મૂળ કાનૂની ફોર્મ-૬માં ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ વિશેષ સઘન સુધારણા દરમિયાન વધારાની જાહેરાત જોડવામાં આવી હતી. પંચે તે વધારાની જાહેરાતને એવા રાજ્યોમાં દૂર કરવાનો નિર્ણય કર્યો છે જ્યાં આ સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
દરમિયાન મતદાર યાદી, ફોર્મ-૬ અને વિશેષ સઘન સુધારણા મુદ્દે વિપક્ષી ગઠબંધન હવે રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે. વિપક્ષી સાંસદો છ ઓક્ટોબરે ચૂંટણીપંચ કચેરી સુધી કૂચ કરશે. સાથે જ મતદાર યાદી સંબંધિત કથિત ગેરરીતિઓ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ રજૂઆત કરવાની યોજના છે.
મતદાર નોંધણી અને મતદાર યાદી સુધારણા મુદ્દે ઊભેલા વિવાદ બાદ વિપક્ષી પક્ષોએ કેન્દ્રિય ચૂંટણીપંચ સામે રાજકીય દબાણ વધારવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષી નેતાઓએ આ મુદ્દાને લોકશાહી અને મતાધિકાર સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન ગણાવ્યો છે.
જ્યારે ચૂંટણીપંચનું કહેવું છે કે મતદાર યાદી સંબંધિત તમામ કાર્યવાહી કાયદાકીય જોગવાઈઓ મુજબ કરવામાં આવે છે. પંચે વધારાની જાહેરાત અંગે સમીક્ષા કરી છે અને જ્યાં વિશેષ સઘન સુધારણા પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં આ વધારાની જાહેરાત દૂર કરવામાં આવી છે. આમ છતાં વિપક્ષ આ મુદ્દે ચૂંટણીપંચ પાસેથી સંપૂર્ણ નિર્ણય પ્રક્રિયા જાહેર કરવાની માંગ ઉપર અડગ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
