<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

દિલ્હીના સ્લમ વિસ્તારમાં પહોંચ્યા રાહુલ ગાંધી :SDM ને કર્યો સવાલ :આ વિસ્તારના તમામ મતદારોમાંથી માત્ર એક જ બચ્યો?;

રાહુલ ગાંધી દિલ્હીના યમુના કિનારે આવેલ બેલા એસ્ટેટમાં ઝૂંપડીઓમાં રહેતા લોકોને મળવા પહોંચ્યા: રાહુલે વીડિયો શેર કરતા લખ્યું કે- અહીં 728 લોકો રહે છે. SIR બાદ મતદાર યાદીમાંથી માત્ર એક નામ બચ્યું છે અને બાકીના 727 નામ કપાયા

રાહુલ ગાંધી સોમવારે દિલ્હીના યમુના કિનારે આવેલ બેલા એસ્ટેટમાં ઝૂંપડીઓમાં રહેતા લોકોને મળવા પહોંચ્યા હતા. રાહુલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે- અહીં 728 લોકો રહે છે. SIR બાદ મતદાર યાદીમાંથી માત્ર એક નામ બચ્યું છે અને બાકીના 727 નામ કપાયા હતા. રાહુલ ગાંધી એ જણાવ્યું કે, આ લોકો દાયકાઓથી અહીં રહે છે. 2024 લોકસભા, 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે મતદાન કર્યું છે. 2023માં તેમના ઘર તોડી પડાયા હતા પરંતુ તેઓ અહીં જ રહ્યા. રાહુલ ગાંધી એ SDMને ફોન લગાવ્યો અને તેમના વિશે સવાલ કર્યો અને કહ્યું કે- ઘર હોય કે ના હોય તેનો મતાધિકારથી કોઈ સંબંધ નથી. 

રાહુલે દાવો કર્યો કે, ‘ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પોતે જ કહી ચૂક્યા છે કે-‘હાઉસ નંબર 0’ એ ઘરવિહોણા લોકો માટે છે. તો પછી 727 લોકોના નામ કેવી રીતે કપાયા. આ SIR નથી પરંતુ વોટ ચોરીનો એક પ્રકાર છે. જેમની પાસે પહેલાથી જ ઓછી અને મર્યાદિત તાકાત છે. તેમની એકમાત્ર તાકાત પણ છીનવી લેવામાં આવી રહી છે. જ્ઞાનેશ કુમાર તો જશે જ પરંતુ જે સિસ્ટમે તેમની પાસે આ કામ કરાવડાવ્યું છે તે પણ જશે.’ 

રાહુલે જ્યારે એસડીએમને ફોન કર્યો તો તેઓ સાંસદના સવાલોનો જવાબ બરોબર ના આપી શક્યા. આ દરમિયાન તેમણે એસડીએમને સવાલ કર્યો કે- તમે તમારું સંપૂર્ણ નામ જણાવો, હું તમને બીજી રીતે જોઈ લઈશ. 

31 ઓગસ્ટે જાહેર થયેલ ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં લગભગ 97 લાખ નામ છે. આ અગાઉ દિલ્હીના 1.45 કરોડ મતદાર હતા. લગભગ 47.5 લાખ નામ કપાયા હોવાનું સામે આવ્યું. 33 લાખથી વધુ મતદારોને તેમને એન્યૂમરેશન ફોર્મમાં વાંધાઓને કારણે નોટિસ મોકલવામાં આવી છે. 4 ડિસેમ્બરે દિલ્હીની અંતિમ મતદાર યાદી સામે આવશે. જે લોકોના નામ નથી આવ્યા તેઓ ERO પાસે નામ જોડવા માટે અરજી કરી શકે છે. 

(11:21 PM IST)