News of Thursday, 26th November 2026
રાહુલ ગાંધી સંબંધિત સામગ્રી પર પ્રતિબંધનો મામલો: કોંગ્રેસે મેટા સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, પક્ષપાતનો ગંભીર આરોપ
યુથ કોંગ્રેસના નેતાઓના એકાઉન્ટ્સ બ્લોક કરાયા અને AI કન્ટેન્ટ હટાવાયાનો દાવો; સુપ્રિયા શ્રીનાતેએ કહ્યું "વિપક્ષની સામગ્રી દબાવવી એ લોકશાહીમાં હસ્તક્ષેપ સમાન", મેટા અધિકારીઓએ કાયદા અને સરકારી વાંધાઓનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી : કોંગ્રેસે સોશિયલ મીડિયા કંપની મેટા (Meta) સાથેના પોતાના વિવાદને કાનૂની સ્તરે લઈ જતાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિકી ધરાવતી આ કંપની પર કોંગ્રેસે કાયદેસરની રાજકીય અભિવ્યક્તિ દબાવવાનું સાધન બનવાનો આરોપ મૂક્યો છે. બુધવારે દાખલ કરાયેલી અરજીમાં કોંગ્રેસ યુવા પાંખના સોશિયલ મીડિયા વડા મનુ જૈને દાવો કર્યો હતો કે મેટાના પ્લેટફોર્મ પર કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા શેર કરાતી રાજકીય સામગ્રીને મર્યાદિત કરવા માટે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નામ અને તસવીરોનો કીવર્ડ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.
આ કાનૂની કાર્યવાહી મેટાના પ્રતિનિધિઓએ મંગળવારે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા સુપ્રિયા શ્રીનાતે સાથે મુલાકાત કર્યાના એક દિવસ બાદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન મેટાના અધિકારીઓએ કંપની ભારતીય કાયદાઓનું પાલન કરી રહી હોવાનું જણાવી સરકાર તરફથી ઉઠાવાયેલા વાંધાઓનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે શ્રીનાતેએ આ અભિગમને વિરોધ પક્ષો પ્રત્યે ભેદભાવપૂર્ણ ગણાવી લોકશાહી પ્રક્રિયામાં દખલગીરી સમાન ઠેરવ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' સાથે સરખામણી કરતા સુપ્રિયા શ્રીનાતેએ કહ્યું કે ત્યાં કાર્યવાહી પહેલાં વપરાશકર્તાઓને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે, જ્યારે મેટા પર સરકારની ટીકા કરતી કે રાહુલ ગાંધી સાથે જોડાયેલી પોસ્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આક્ષેપ છે. ગુરુવારે તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે વિરોધ પક્ષની સામગ્રી અને એકાઉન્ટ્સ પર વ્યવસ્થિત રીતે પ્રતિબંધ મૂકવો એ ભારતના લોકતંત્રમાં હસ્તક્ષેપ છે અને કોંગ્રેસની AI-જનરેટેડ સામગ્રી હટાવીને ભાજપની AI સામગ્રી જાળવી રાખવી એ સ્પષ્ટ પક્ષપાત દર્શાવે છે.
યુથ કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો છે કે ઇન્સ્ટાગ્રામ રાજકીય દબાણ હેઠળ કોઈ સ્પષ્ટતા વિના સરકાર અને ભાજપની ટીકા કરતી પોસ્ટ્સ હટાવી રહ્યું છે. પક્ષના દાવા મુજબ યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબ અને અધિકૃત પ્રભારી મનીષ શર્માના એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યકરો અને સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
