<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રાહુલ ગાંધીનો દિલ્હીથી પીએમ મોદી પર સીધો પ્રહાર: "જાદુગરની બધી યુક્તિઓ હવે ખતમ થઈ ગઈ છે", મહિલા બિલને ગણાવ્યું સત્તાનું નવું 'ષડયંત્ર'

દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં રાહુલે ઉઠાવ્યા ગંભીર સવાલો; 'જનરલ ઝેડ' મહિલાઓને ભારતનું ભવિષ્ય ગણાવતા કહ્યું- સીમાંકનના બહાને ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે યુદ્ધ કરાવવાનું જોખમ ન લે સરકાર

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા કટાક્ષ કર્યા છે. દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વિશેષ મુલાકાત દરમિયાન રાહુલે મહિલા અનામત બિલને લઈને સરકારની દાનત પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "જાદુગર પાસે હવે કોઈ નવી ચાલાકી બચી નથી, યુવા ભારત હવે તેમની આરપાર જોઈ શકે છે."
મહિલા બિલ કે સીમાંકનનું જોખમ?
રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલ પર પુનર્વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, આ બિલ વાસ્તવમાં મહિલાઓના સશક્તિકરણ માટે નથી, પરંતુ સીમાંકન (Delimitation) દ્વારા રાજકીય સમીકરણો બદલવાનું સાધન છે. તેમણે ચેતવણી આપી હતી કે, "સરકાર દક્ષિણના રાજ્યોમાં બેઠકો ઘટાડીને ઉત્તર ભારતમાં વધારવા માંગે છે. જો કાળજીપૂર્વક વિચાર્યા વગર સીટ વિતરણમાં ફેરફાર કરાશે, તો ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે ગંભીર તણાવ કે 'યુદ્ધ' જેવી સ્થિતિ સર્જાઈ શકે છે."
'જનરલ ઝેડ' મહિલાઓ માર્ગ બતાવશે
યુવા પેઢી (Gen Z) વિશે વાત કરતા રાહુલે કહ્યું કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. તેમણે ખાસ કરીને યુવા મહિલાઓની ક્ષમતા પર ભરોસો મૂકતા જણાવ્યું કે, "સ્ત્રીઓની કાર્યક્ષમતા પુરુષો કરતા વધુ હોય છે. હું મહિલાઓને સશક્ત કરવા માટે વધુ પક્ષપાતી છું." તેમણે કોર્પોરેટ જગતથી લઈને રાજકારણ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓને 'બળજબરીથી' સ્થાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
માયાવતી અને જયલલિતાની પ્રશંસા, RSS પર પ્રહાર
વાતચીત દરમિયાન રાહુલે વિરોધી પક્ષના હોવા છતાં માયાવતી અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે માયાવતીએ ઉત્તર પ્રદેશના રાજકારણને મૂળભૂત રીતે બદલી નાખ્યું છે. બીજી તરફ, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રહાર કરતા તેને બ્રિટિશ સંસ્થાનવાદ સમયની અમલદારશાહી સાથે સરખાવ્યું હતું.
વિદ્યાર્થીઓએ નકારી 'નફરતની રાજનીતિ'
રાહુલ ગાંધીએ અંતમાં ઉમેર્યું કે આજના વિદ્યાર્થીઓ ખૂબ જ સ્પષ્ટવક્તા છે. તેઓ હિંસા, નફરત અને પિતૃસત્તાના રાજકારણને નકારે છે અને સમાનતા તથા આદર આધારિત રાજકારણ ઈચ્છે છે. આ મુલાકાત બાદ દિલ્હીના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.
ચૂંટણીના માહોલ વચ્ચે રાહુલ ગાંધીનું આ 'યુવા કનેક્ટ' આગામી દિવસોમાં કોંગ્રેસ માટે કેટલું ફાયદાકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.

(8:07 PM IST)