<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

PM મોદીના વીડિયો સંદેશ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર - "વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે, મોડી રાતના વીડિયો બનાવી તેમની સમજણનું અપમાન ન કરો"

કેબિનેટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના મસૌદા પર ચર્ચા અને સંસદમાં બિલ લાવવાની પ્રધાનમંત્રીની જાહેરાત વચ્ચે સોનમ વાંગચુકે ૨૬મા દિવસે પારણાં કર્યા : વાટાઘાટો માટે 'કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા'ની પસંદગી થતાં CJPએ ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી: નીટ (NEET) પેપર લીક વિવાદ અને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સોશિયલ મીડિયા પર જારી કરવામાં આવેલા વીડિયો સંદેશ બાદ રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ વીડિયો સંદેશ પર તીખી પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. મોડી રાત્રે આ પ્રકારના વીડિયો જારી કરીને દેશના યુવાનોની સમજદારીનું અપમાન ન કરવું જોઈએ. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવવા, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા અને દેશની જનતા સમક્ષ માફી માંગવાની માંગ કરી છે.

 

કોંગ્રેસનો આકરો પ્રહાર અને પ્રધાનમંત્રીની જાહેરાત:

આ વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશના વિદ્યાર્થીઓને હવે મોદી સરકાર પર કોઈ ભરોસો રહ્યો નથી. સરકારે હંમેશા વિદ્યાર્થીઓના હિતોના બદલે પોતાના રાજકીય ફાયદાઓને પ્રાધાન્ય આપ્યું છે. બીજી તરફ, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે અધિકારીઓએ પેપર લીકના દોષિતોને ઝડપી અને કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટના ગઠનનો મસૌદો તૈયાર કરી લીધો છે. આ મસૌદો કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે અને મંત્રીઓના સૂચનો બાદ તેને અંતિમ રૂપ અપાશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રના બીજા સપ્તાહમાં જ આ સંબંધિત બિલ સદનમાં પસાર કરાવવામાં આવશે. જંતર-મંતર ખાતે ચાલતા પ્રદર્શનો હિંસક બનવા અંગે અપીલ કરતાં તેમણે દેશના યુવાનોનું ભવિષ્ય સૌથી મહત્ત્વનું હોવાનું જણાવ્યું હતું.

 

સોનમ વાંગચુકે ૨૬મા દિવસે આખરે ઉપવાસ છોડ્યા:

બીજી તરફ, છેલ્લા ૨૬ દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પોતાના ઉપવાસના પારણાં કર્યા હતા. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં તેમણે ભૂખ હડતાળનો અંત આણ્યો હતો. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ સોનમ વાંગચુકને પોતાના હાથે કપમાંથી પાણી પીવડાવીને ઉપવાસ છોડાવ્યા હતા. આ પ્રસંગે સોનમ વાંગચુકના ધર્મપત્ની ગીતાંજલિ આંગમો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

તટસ્થ સ્થળે વાટાઘાટો માટે સંમતિથી CJPમાં ખુશી:

સૌનમ વાંગચુકે અણનમ ઉપવાસ છોડવા અંગે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ખુશ છીએ અને ગઈકાલે પણ પત્ર લખીને સોનમ સરને ઉપવાસ પૂર્ણ કરવા વિનંતી કરી હતી. આંદોલન આપણી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે. સરકારે આપણી માંગણી સ્વીકારીને વાટાઘાટો માટે તટસ્થ સ્થળ તરીકે 'કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા'ની પસંદગી કરી છે, જે અત્યંત આવકારદાયક છે.

 

(10:11 AM IST)