<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

રાહુલ ગાંધીનો આરએસએસ પર તીખો પ્રહાર: 'આરએસએસ ગેરબંધારણીય જૂથ : મહિલાઓને પુરુષોની મિલકત માને છે'

સમાનતા અને સિદ્ધાંતો માટેની લડાઈમાં આરએસએસની મહિલાઓ પણ અમારી સાથે હોવાનો રાહુલ ગાંધીનો દાવો: સંઘના ૧૦૦ વર્ષની ઉજવણી વચ્ચે મોટો રાજકીય ગરમાવો

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  પર ગંભીર આરોપો લગાવતા તેની વિચારધારા અને કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આરએસએસ મહિલાઓ પ્રત્યે સંકુચિત અને પિતૃસત્તાક માનસિકતા ધરાવે છે. તેમણે આરએસએસને એક ગેરબંધારણીય, પુરુષોનું જૂથ ગણાવતા કહ્યું હતું કે આ સંગઠન મહિલાઓને પુરુષોની મિલકત સમજે છે.

પોતાની ધાર્મિક અને વૈચારિક માન્યતાઓનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "હું શિવ-શક્તિમાં વિશ્વાસ ધરાવું છું, અને આ જ કારણ છે કે મને આ માનસિકતા સામે લડવામાં આનંદ આવે છે." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આરએસએસ સામેની તેમની આ લડાઈ દેશમાં સમાનતા અને સિદ્ધાંતોના રક્ષણ માટેની લડાઈ છે.

'આરએસએસની મહિલાઓ પણ અમારી લડાઈને ટેકો આપી રહી છે'
રાહુલ ગાંધીએ એક મોટો દાવો કરતા જણાવ્યું હતું કે, સંઘની વિચારધારા સાથે જોડાયેલી અથવા તેની આસપાસ રહેલી ઘણી મહિલાઓ પણ હવે તેમની આ લડાઈને સમર્થન આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે સૌથી સુંદર વાત એ છે કે સંઘ સાથે જોડાયેલી ઘણી મહિલાઓ પણ આ વિષય પર તેમની સાથે છે.

આરએસએસે તાજેતરમાં જ પોતાના સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે નાગપુર ખાતે આયોજિત વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. મોહન ભાગવતે જણાવ્યું હતું કે છેલ્લા ૧૦૦ વર્ષથી આરએસએસ ભારતને તેની પોતાની ઓળખ, સંસ્કૃતિ અને પરંપરાઓના આધારે સંગઠિત અને મજબૂત બનાવવા માટે નિરંતર કાર્ય કરી રહ્યું છે. તેમણે શતાબ્દી વર્ષ નિમિત્તે સ્વદેશી અપનાવવા અને સામાજિક બદલાવ લાવવા પર ભાર મૂક્યો હતો. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીના આ નિવેદનથી રાજકીય ક્ષેત્રે નવો વિવાદ છેડાયો છે.

(6:17 PM IST)