<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

હુગલીમાં રાહુલ ગાંધીની ડણક: "મારી પાછળ ૩૬ કેસ અને ૫૫ કલાકની પૂછપરછ, તો મમતા બેનર્જી પર કેન્દ્ર મહેરબાન કેમ?"

પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગમાં રાહુલનો ત્રિપાંખિયો હુમલો, પીએમ મોદી પર અમેરિકાના દબાણ અને ટ્રમ્પના ઈશારે દેશના હિતો વેચવાનો ગંભીર આરોપ લગાવી બંગાળમાં TMC અને ભાજપ વચ્ચેની 'છૂપી મિલીભગત'નો પર્દાફાશ કર્યો

સેરામપુર : પશ્ચિમ બંગાળના ચૂંટણી મેદાનમાં બીજા તબક્કાના મતદાન પૂર્વે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હુગલીના સેરામપુરમાં એક વિશાળ જનસભાને સંબોધતા ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) બંને પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના પક્ષપાતી વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપ વિરુદ્ધ લડવા બદલ તેમની પાછળ EDએ ૫૫ કલાક ખર્ચ્યા અને ૩૬ કેસ ઠોકી દીધા, પરંતુ મમતા બેનર્જી સામે કેન્દ્ર મૌન કેમ છે? તેમણે દાવો કર્યો હતો કે મમતા બેનર્જી ભાજપ સામે સીધી લડાઈ લડતા ન હોવાથી મોદી સરકાર તેમને હેરાન કરતી નથી અને ચૂંટણી પત્યા પછી બંને પક્ષો ફરી એક થઈ જશે.

પીએમ મોદીના "૫૬ ઇંચની છાતી"ના દાવા પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન અમેરિકી પ્રમુખ ટ્રમ્પના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અને ભારતના કૃષિ ક્ષેત્ર તેમજ દેશનો કિંમતી ડેટા અમેરિકાને પધરાવી દીધો છે. રાહુલે કટાક્ષ કર્યો કે જો ટ્રમ્પ કૂદવાનું કહે તો મોદી એક સેકન્ડમાં કૂદી પડે તેટલા દબાણમાં છે. ગાંધીજી અને નેહરુ જેવા નેતાઓના ઉદાહરણ આપી તેમણે ઉમેર્યું કે સાચા નેતાઓ ક્યારેય વિદેશી શક્તિઓ સામે ઝૂક્યા નથી, જ્યારે હાલના વડાપ્રધાન દેશની ઉર્જા સુરક્ષા અને વેપારી હિતો સાથે સમજૂતી કરી રહ્યા છે.

બંગાળની સ્થાનિક સ્થિતિ પર બોલતા રાહુલે મમતા સરકારને 'ગુંડા ટેક્સ' અને ભ્રષ્ટાચારની જનની ગણાવી હતી. તેમણે શારદા અને રોઝ વેલી જેવા કૌભાંડો તેમજ હિન્દુસ્તાન મોટર્સ જેવી ફેક્ટરીઓ બંધ થવા પાછળ TMC અને ડાબેરીઓની નીતિઓને જવાબદાર ઠેરવી હતી. રાહુલના મતે, બંગાળમાં આજે લાયક યુવાનોને બદલે માત્ર TMCના કાર્યકરોને જ નોકરીઓ મળે છે. નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવાના સંદેશ સાથે રાહુલે મતદારોને બંધારણ બચાવવા માટે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.

(2:47 PM IST)