હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં શીખ સમુદાય અંગે આપેલા વિવાદિત નિવેદન મામલે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી: અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો!
દેશદ્રોહ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR નોંધવાની માંગ : રાહુલ ગાંધીએ અરજીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી પોતાને ‘સાચા દેશભક્ત’ ગણાવ્યા

પ્રયાગરાજ : વર્ષ ૨૦૨૪માં અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતમાં રહેતા શીખ સમુદાય, પાઘડી, કડા અને ગુરુદ્વારા જવાના અધિકારો અંગે કરવામાં આવેલા વિવાદિત નિવેદનનો મામલો હવે ગંભીર કાનૂની વળાંક લઈ ચૂક્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ વિદેશની ધરતી પરથી ભારત વિરોધી અને વિભાજનકારી નિવેદન આપવા બદલ FIR નોંધવાની માંગ કરતી અરજી પર સુનાવણી પૂર્ણ કરી લીધી છે. વારાણસીના નાગેશ્વર મિશ્રા અને અન્ય નાગરિકો દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૫૨૮ હેઠળ દાખલ કરાયેલી આ અરજી પર જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણની સિંગલ બેન્ચે તમામ પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા બાદ પોતાનો આખરી નિર્ણય અનામત રાખી લીધો છે, જેનાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
આ વિવાદની શરૂઆત ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ અમેરિકામાં રાહુલ ગાંધીના એક કાર્યક્રમથી થઈ હતી, જેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે, "ભારતમાં શીખ સમુદાયમાં એવી ભય અને ચિંતાની લાગણી છે કે શું તેમને પાઘડી કે કડા પહેરવા દેવાશે અને શું તેઓ ગુરુદ્વારા જઈ શકશે?" તેમણે ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કરતાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે, શાસક પક્ષ ભારતને 'રાજ્યોનો સંઘ' નથી માનતો અને ભાજપ-આરએસએસ તમિલ, મરાઠી, બંગાળી અને મણિપુરી જેવી પ્રાદેશિક ભાષાઓ અને ચોક્કસ ધર્મોને અન્ય કરતાં નીચા ગણે છે. આ નિવેદનથી ભારે વિવાદ સર્જાતાં વારાણસીના નાગેશ્વર મિશ્રાએ પ્રથમ સારનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કાર્યવાહી ન થતાં તેઓ કોર્ટમાં પહોંચ્યા હતા. જોકે, ૨૮ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ ACJM-II કોર્ટે આ ઘટનાક્રમ અમેરિકામાં બન્યો હોઈ કાનૂની અધિકારક્ષેત્ર બહાર હોવાનું કહી અરજી ફગાવી દીધી હતી, જેના વિરુદ્ધ હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલેલી આ હાઈ-વોલ્ટેજ કાનૂની લડાઈ દરમિયાન રાહુલ ગાંધીએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ૨૫ ઓગસ્ટના રોજ રજૂ કરેલા પોતાના લેખિત જવાબમાં રાહુલ ગાંધીએ આ સમગ્ર અરજીને 'રાજકીય રીતે પ્રેરિત' ગણાવી હતી અને પોતાની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે કોઈ મજબૂત કાનૂની આધાર ન હોવાનો દાવો કર્યો હતો. પોતાને 'સાચા દેશભક્ત' ગણાવતાં રાહુલ ગાંધીએ ભારતના તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને ખાસ કરીને શીખ સમુદાય પ્રત્યે પોતાનો ગાઢ આદર વ્યક્ત કર્યો હતો. હવે તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ થતાં અલ્હાબાદ હાઈકોર્ટ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નો આદેશ આપે છે કે કેમ, તે ચુકાદા પર સમગ્ર દેશની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
