<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ન્યૂ યોર્કમાં રેલવે હડતાળથી પરિવહન સેવા ખોરવાઈ: લાગાર્ડિયા એરપોર્ટ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા, પ્રશાસને જારી કરી કટોકટીની ટ્રાવેલ એડવાઇઝરી

લોંગ આઇલેન્ડ રેલ રોડ (LIRR) ની ટ્રેનો સંપૂર્ણપણે ઠપ્પ; એરપોર્ટ પહોંચવા સબવે અને ફ્રી લિંક બસનો ઉપયોગ કરવા તંત્રની અપીલ, ઓફિસ અવર્સમાં મર્યાદિત શટલ દોડાવાશે

ન્યૂ યોર્ક: અમેરિકાના સૌથી વ્યસ્ત અને પ્રતિષ્ઠિત શહેરોમાં ગણાતા ન્યૂ યોર્કથી મુસાફરોને ચિંતામાં મૂકતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અચાનક શરૂ થયેલી રેલવે હડતાળના કારણે લોંગ આઇલેન્ડ રેલ રોડ (LIRR) ને જોડતી તમામ મહત્વપૂર્ણ ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવી છે. આ હડતાળની સીધી અને વ્યાપક અસર ન્યૂ યોર્કના પ્રખ્યાત લાગાર્ડિયા એરપોર્ટ (LaGuardia Airport) તરફ જતા મુસાફરો અને ફ્લાઇટ પકડવા માંગતા પ્રવાસીઓ પર પડી રહી છે. ટ્રેનો બંધ થવાને કારણે એરપોર્ટ પ્રશાસન અને પરિવહન અધિકારીઓએ તાત્કાલિક ધોરણે મુસાફરો માટે એક કટોકટીની ટ્રાવેલ એડવાઇઝરી (મુસાફરી સલાહ) જારી કરવી પડી છે.

એરપોર્ટ જવા માટે વધારાનો સમય લઈને નીકળવું પડશે

લાગાર્ડિયા એરપોર્ટ ઓથોરિટીએ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, આ ટ્રાન્સપોર્ટ વિક્ષેપને કારણે એરપોર્ટ પહોંચવામાં સામાન્ય કરતાં ઘણો વધુ સમય લાગી શકે છે. તેથી, જે મુસાફરોની ફ્લાઇટ શિડ્યુઅલ હોય, તેમણે ઘર કે હોટેલમાંથી ઘણો વહેલો સમય ફાળવીને (બજેટ ટાઈમ) નીકળવું હિતાવહ છે. LIRR ની કામગીરી ઠપ્પ થવાથી ન્યૂ યોર્ક સિટીમાં દૈનિક અપ-ડાઉન કરતા સ્થાનિક નોકરિયાતો અને પ્રવાસીઓની અવરજવર પર બ્રેક વાગી ગઈ છે.

તંત્રએ બતાવી વૈકલ્પિક વ્યવસ્થા: આ સબવે લાઈનોનો કરો ઉપયોગ

મુસાફરોની સુવિધા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક મહત્વપૂર્ણ પોસ્ટ શેર કરીને લાગાર્ડિયા એરપોર્ટે વૈકલ્પિક જાહેર પરિવહનની યાદી જાહેર કરી છે. મુસાફરો હવે એરપોર્ટ સુધી પહોંચવા માટે મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (MTA) ની સબવે લાઇન્સ જેવી કે E, F, M, R અને 7 નંબરની ટ્રેનો નો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, સડક માર્ગે જવા માટે M60 સિલેક્ટ બસ સર્વિસ અને ગ્રાહકો માટે તદ્દન મફત શરૂ કરાયેલી Q70 લાગાર્ડિયા લિંક બસ (LGA Link Bus) નો આશરો લેવા માટે જણાવાયું છે.

આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સ્પેશિયલ શટલ

પ્રવાસીઓની સાથે-સાથે સરકારી વ્યવસ્થા જાળવી રાખવા માટે એમટીએ (MTA) એ એક ખાસ જાહેરાત કરી છે. અઠવાડિયાના કામકાજના દિવસો દરમિયાન, ઓફિસના પીક-અવર્સ (વ્યસ્ત સમય) માં લોંગ આઇલેન્ડ અને ન્યૂ યોર્ક સિટી વચ્ચે મર્યાદિત સંખ્યામાં ખાસ શટલ બસ સેવાઓ ચલાવવામાં આવશે. જોકે, આ સ્પેશિયલ શટલ બસનો લાભ માત્ર એવા જ અતિ આવશ્યક કામદારો (Essential Workers) અને મુસાફરો લઈ શકશે જેઓ 'વર્ક ફ્રોમ હોમ' કરવા માટે સક્ષમ નથી અને જેમનું ઓફિસે પહોંચવું અનિવાર્ય છે. અધિકારીઓએ તમામ મુસાફરોને મુસાફરી શરૂ કરતા પહેલા લાઈવ અપડેટ્સ ચેક કરતા રહેવાની સલાહ આપી છે.

(6:58 PM IST)