<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

તહેવારો પૂર્વે રેલવે મુસાફરોની હાલાકી વધી: IRCTCની નવી વેબસાઈટમાં ધાંધિયા, ટ્રાફિક વધતાં સવારે ૮ વાગ્યે સર્વર ઠપ, મિનિટોમાં વેઇટિંગ ૨૦૦ને પાર!

દશેરા અને દિવાળીની રજાઓમાં મુંબઈથી ગુજરાત, યુપી અને બિહાર જતી ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મેળવવા પડાપડી; રેલવે દ્વારા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવા કવાયત શરૂ

મુંબઈ : દશેરા અને દિવાળીની આગામી લાંબી રજાઓમાં વતન કે ફરવા જવાનો પ્લાન બનાવી રહેલા લાખો રેલવે મુસાફરો માટે આઈઆરસીટીસી (IRCTC) ની નવી વેબસાઈટ મુશ્કેલીનું મોટું કારણ બની રહી છે. ૬૦ દિવસના એડવાન્સ રિઝર્વેશનના નિયમ મુજબ તહેવારોની ટિકિટોનું બુકિંગ શરૂ થતાં જ વેબસાઈટ પર ભારણ વધી રહ્યું છે. સવારે ૮ વાગ્યે રિઝર્વેશન ખોલતાં જ "વેબસાઈટ પર અત્યારે વધુ લોડ છે, થોડા સમય બાદ પ્રયાસ કરો" તેવા મેસેજ પોપ-અપ થતાં મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

 

મુંબઈથી ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને કોંકણ તરફ જતી ટ્રેનોમાં ટિકિટ મેળવવા માટે સવારે બુકિંગ શરૂ થતાં જ ૪ થી ૫ મિનિટ સુધી વેબસાઈટ હેંગ થઈ જાય છે. આ મિનિટો દરમિયાન તમામ કન્ફર્મ સીટો ભરાઈ જાય છે અને મુસાફરોને ૧૦૦ થી ૨૦૦ સુધીનું વેઇટિંગ અથવા 'રિગ્રેટ' જોવા મળે છે. વડોદરા-ટાટાનગર, દાદર-જોધપુર અને સીએસએમટી-સિંધુદુર્ગ જેવા અનેક રૂટ પર આવી જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. CRIS ના એમડી જી.વી.એલ. સત્ય કુમારે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન એકસાથે હજારો લોકો લોગિન કરતા હોવાથી સિસ્ટમ પર ટ્રાફિકનું ભારે ભારણ સર્જાય છે.

 

બીજી તરફ મુસાફરોની વધતી માગને ધ્યાનમાં રાખીને મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલા અને પશ્ચિમ રેલવેના CPRO વિનિત અભિષેકે જણાવ્યું હતું કે ગણપતિ ઉત્સવ બાદ દિવાળી માટે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરીને આરક્ષિત અને અનારક્ષિત વિશેષ ટ્રેનોની ઘોષણા કરવામાં આવશે. જોકે, હાલ પૂરતું તો IRCTC ની નવી વેબસાઈટ અને એપના ધાંધિયાને કારણે મુસાફરોની ચિંતા ચરમસીમાએ પહોંચી છે.

(6:14 PM IST)