<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

સમયપત્રક બદલાયાની જાણ ન કરી તો રેલવેને પડ્યો ભારે દંડ: ૩ કલાક વહેલી ટ્રેન ઉપડી જતાં ગ્રાહક ફોરમે આપ્યો રૂ. ૩૧,૦૦૦ વળતરનો આદેશ!

'મુસાફરો અધિકારીઓની દયા પર ન રહી શકે': સમયસર માહિતી આપવાની નિષ્ફળતા બદલ દક્ષિણ રેલવેને તિરુવનંતપુરમ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે ફટકાર્યો મોટો દંડ

તિરુવનંતપુરમ : રેલવે તંત્રની બેદરકારી અને વહીવટી ખામી સામે ગ્રાહક સુરક્ષા ફોરમે એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. મુસાફરોને પૂર્વ સૂચના આપ્યા વિના ટ્રેનના નિર્ધારિત સમય કરતાં લગભગ ત્રણ કલાક વહેલી ઉપાડી દેવાના મામલે તિરુવનંતપુરમ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે દક્ષિણ રેલવેને આકરી ફટકાર લગાવી છે. કમિશને રેલવેને ટ્રેન ચૂકી ગયેલા મુસાફરને વ્યાજ સહિત કુલ રૂ. ૩૧,૭૮૪ ચૂકવવાનો કડક આદેશ આપ્યો છે.

આ કેસની વિગત મુજબ, ફરિયાદી પ્રસંત કુમાર પી. નામના મુસાફરે ૩ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ પોતાના પરિવારના ૧૦ સભ્યો સાથે મુકામ્બિકા મંદિરની દર્શન યાત્રા બાદ મેંગલુરુથી તિરુવનંતપુરમ પાછા ફરવા માટે NZM-TVC સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી હતી. જૂથ સાંજે ૫ વાગ્યે સ્ટેશને પહોંચ્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે ચોમાસા સિવાયના સુધારેલા સમયપત્રકના નામે ટ્રેન બપોરે ૨.૫૦ વાગ્યે જ રવાના થઈ ચૂકી હતી. રેલવેએ બચાવમાં દલીલ કરી હતી કે સમયપત્રકના ફેરફાર અંગે અખબારોમાં જાહેરાત આપવામાં આવી હતી અને ફરિયાદીએ સત્તાવાર એપ્લિકેશનને બદલે ખાનગી એપ પર આધાર રાખ્યો હતો.

જોકે, પંચના પ્રમુખ પી.વી. જયરાજન અને સભ્યો પ્રીથા જી. નાયર તથા વિજુ વી.આર.ની બેન્ચે રેલવેના તમામ બચાવને ફગાવી દીધા હતા. કમિશને સ્પષ્ટપણે જણાવ્યું કે મુસાફરોને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવા મેળવવાનો અધિકાર છે અને તેઓ તંત્રની મરજી કે દયા પર નિર્ભર રહી શકે નહીં. રેલવે ફરિયાદીને અંગત રીતે સમયપત્રકના ફેરફારની જાણ કર્યાનો કોઈ પુરાવો રજૂ કરી શકી ન હતી. આથી, સેવામાં ખામી બદલ પંચે દક્ષિણ રેલવેને ટિકિટના રૂ. ૩,૭૮૪ (૬% વ્યાજ સાથે), માનસિક ત્રાસના વળતર પેટે રૂ. ૨૫,૦૦૦ અને મુકદ્દમાના ખર્ચના રૂ. ૩,૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યો છે.

(11:24 PM IST)