News of Wednesday, 2nd September 2026
વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ' અભિયાનને રેલવેનો બૂસ્ટર ડોઝ: 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' યોજના હેઠળ ₹૧૬૨ કરોડથી વધુનું વિક્રમી વેચાણ
દેશના ૨,૦૦૦ થી વધુ રેલવે સ્ટેશનો પર ૨,૩૦૦ થી વધુ આઉટલેટ્સ કાર્યરત; ૧.૫૪ લાખથી વધુ નાના કારીગરો અને ઉત્પાદકોને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું નવું સેલિંગ પ્લેટફોર્મ

નવી દિલ્હી : દેશના રેલવે સ્ટેશનો હવે માત્ર મુસાફરો માટે ટ્રેન પકડવા કે ઊતરવાનું સ્થળ નથી રહ્યા, પરંતુ તે સ્થાનિક આજીવિકા અને આર્થિક ઉપાર્જનના ધમધમતા કેન્દ્રો બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' વિઝનને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલી 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' (OSOP) યોજના હેઠળ દેશના નાના કારીગરો, વણકરો અને સ્થાનિક ઉત્પાદકોએ અત્યાર સુધીમાં ₹૧૬૨.૩૯ કરોડથી વધુની પ્રોડક્ટ્સનું રેકોર્ડબ્રેક વેચાણ કર્યું છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક હસ્તકલા, આર્ટવર્ક, શિલ્પ અને પરંપરાગત કપડાં જેવી ઉત્પાદનોને દેશના ખૂણે-ખૂણેથી આવતા મુસાફરો સુધી પહોંચાડવાનો છે. હાલમાં દેશના ૨,૦૦૦ થી વધુ રેલવે સ્ટેશનો પર ૨,૩૦૦ થી વધુ OSOP આઉટલેટ્સ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. આ પહેલ દ્વારા અત્યાર સુધીમાં ૧.૫૪ લાખથી વધુ નાના વેપારીઓ અને કારીગરોને સીધો જ લાભ મળ્યો છે, જેના કારણે મોંઘી દુકાનો કે માર્કેટ સ્ટોલ વગર તેમને એક મોટું અને વૈવિધ્યસભર બજાર ઉપલબ્ધ થયું છે.
અત્યંત રાહત દરે સ્ટોલ અને લોકપ્રિય ઉત્પાદનો
OSOP યોજનાની શરૂઆત ૨૫ માર્ચ, ૨૦૨૨ ના રોજ પાયલટ પ્રોજેક્ટ તરીકે ૧૯ સ્ટેશનોથી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સ્થાનિક કારીગરોને માત્ર ₹૫૦૦ થી ₹૧૦૦૦ ના મામૂલી દરે ૧૫ દિવસ માટે રોટેશનના ધોરણે સ્ટેશન પર આઉટલેટ ફાળવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૩૭૮ સ્ટોલ્સ, મહારાષ્ટ્રમાં ૨૦૫, તમિલનાડુમાં ૧૯૯ અને ઉત્તર પ્રદેશમાં ૧૯૬ એકમો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.
આ યોજનાના માધ્યમથી બિહારની પ્રસિદ્ધ મધુબની પેઈન્ટિંગ, ભાગલપુરી સિલ્ક, આસામના ગમોસા અને મેખલા ચાદર, રાજસ્થાનની કોટા ડોરિયા તથા સાંગાનેરી પ્રિન્ટ, કર્ણાટકના જાણીતા ચન્નાપટના ટોય્ઝ અને તમિલનાડુનું કાંચીપુરમ સિલ્ક જેવી પરંપરાગત વારસારૂપ વસ્તુઓ હવે રેલવે પ્લેટફોર્મ પરથી સીધી મુસાફરો સુધી પહોંચી રહી છે, જે ભારતીય સંસ્કૃતિ અને સ્થાનિક અર્થતંત્ર બંનેને નવી ઊંચાઈઓ આપી રહી છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
