<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રેલવેની સીટ ફાળવણીમાં ગજબ લોચો: 52 સીટના કોચમાં ફાળવી 54 નંબરની બર્થ, કન્ફર્મ ટિકિટ છતાં મુસાફર રાત્રે હેરાન-પરેશાન

ટ્રેન નંબર 15132ના A1 કોચમાં રાત્રે 10.45 વાગ્યે પહોંચેલા મુસાફર ઈશાન બાજપેયીએ શેર કર્યો વીડિયો; હેલ્પલાઇન 139 પર ફરિયાદ બાદ 'રેલવે સેવા'એ મામલો અધિકારીને સોંપ્યો, સોશિયલ મીડિયા પર સોફ્ટવેર સિસ્ટમ સામે સવાલો

મુંબઈ : ભારતીય રેલવેની ટિકિટ બુકિંગ અને સીટ એલોટમેન્ટ સિસ્ટમની એક ચોંકાવનારી ભૂલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે કન્ફર્મ ટિકિટ મળ્યા બાદ મુસાફર નિશ્ચિંત રહેતો હોય છે, પરંતુ જો ટિકિટ પર એવો બર્થ નંબર લખેલો હોય જે આખા કોચમાં અસ્તિત્વમાં જ ન હોય તો મુસાફરની દશા કેવી થાય? ટ્રેન નંબર 15132માં મુસાફરી કરી રહેલા ઈશાન બાજપેયી નામના પ્રવાસીને આવી જ ટેકનિકલ ખામીના કારણે રાત્રિ પ્રવાસ દરમિયાન ભારે પરેશાની વેઠવી પડી હતી.

 

મુસાફર ઈશાન બાજપેયીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી હતી. તેમની કન્ફર્મ ટિકિટમાં A1 કોચની બર્થ નંબર 54 ફાળવવામાં આવી હતી, પરંતુ જ્યારે તેઓ રાત્રે આશરે 10.45 વાગ્યે કોચમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે સમગ્ર કોચમાં કુલ 52 બર્થ જ છે. કોચમાં 54 નંબરની સીટ જ ન હોવાથી કન્ફર્મ ટિકિટ હોવા છતાં તેઓ લાચાર બની ગયા હતા અને તેમણે તાત્કાલિક રેલવે હેલ્પલાઇન 139 પર ફરિયાદ નોંધાવી હતી, જેના જવાબમાં 'રેલવે સેવા'એ આ મામલો સંબંધિત અધિકારીને મોકલવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

 

આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે રેલવેના સોફ્ટવેર અને બુકિંગ ડેટા સામે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોએ સવાલ ઉઠાવ્યો કે પૂરા નાણાં ચૂકવીને કન્ફર્મ ટિકિટ મેળવનાર પ્રવાસીને 52 સીટના કોચમાં 54 નંબરની સીટ કેવી રીતે મળી શકે અને ટિકિટ ફાળવતા પહેલાં કોચની વાસ્તવિક ક્ષમતાની ચકાસણી કેમ ન થઈ?

 

બીજી તરફ, ઘણા અનુભવી પ્રવાસીઓએ આવી સ્થિતિમાં તરત જ TTE નો સંપર્ક કરવાની સલાહ આપી હતી, કારણ કે તેમની પાસે ખાલી સીટોની વિગત હોય છે અને તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે છે. આ પોસ્ટ પર અન્ય એક યુઝરે પણ પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું કે સિસ્ટમની ભૂલને કારણે તેમનું 2ACનું બુકિંગ આપમેળે 3ACમાં ફેરવાઈ ગયું હતું, જેનાથી રેલવેની ટેકનિકલ વ્યવસ્થા પર ફરી એકવાર ચર્ચા જાગી છે.

(8:46 PM IST)