News of Saturday, 30th May 2026
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો ભ્રષ્ટાચાર સામે ઐતિહાસિક સપાટો: એકસાથે ૧૦૩ ભ્રષ્ટ અધિકારીઓ સસ્પેન્ડ, ૬ ને નોકરીમાંથી બરતરફ કરાયા
ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કડક એક્શન: ૧૧ નિવૃત્ત બાબુઓના પેન્શન અટકાવી દેવાયા, ૧૦૮ કેસોમાં કાનૂની કાર્યવાહી માટે અપાઈ લીલી ઝંડી

જયપુર: રાજસ્થાનમાં પારદર્શક વહીવટ સ્થાપવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ભ્રષ્ટ બાબુઓ સામે લાલ આંખ કરી છે. ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં અત્યાર સુધી ૧૦૩ અધિકારીઓને સસ્પેન્ડ અને ૬ ને સંપૂર્ણપણે ડિસમિસ કરાયા છે. જ્યારે ૧૧ નિવૃત્ત અધિકારીઓના પેન્શન રોકી ૧૦૮ કેસોમાં કાનૂની કાર્યવાહીની મંજૂરી અપાઈ છે.
રાજસ્થાનની નવી સરકારે રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સરકારી તંત્રમાં રહેલા ભ્રષ્ટ બાબુઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને લાલ આંખ કરી છે.
પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ મુજબ, લાંચ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હેઠળ રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૧૦૩ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ૬ અધિકારીઓને સેવામાંથી કાયમી ધોરણે બરતરફ (ડિસમિસ) કરાયા છે.
સરકારની આ સફાઈ ઝુંબેશ માત્ર વર્તમાન અધિકારીઓ પૂરતી સીમિત નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ૧૧ નિવૃત્ત અધિકારીઓના પેન્શન પણ તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ભ્રષ્ટાચાર નિવારક બ્યુરો (એસીબી) દ્વારા દાખલ કરાયેલા કુલ ૧૦૮ જેટલા કેસોમાં સીધી કાનૂની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલયે મંજૂરી આપી દીધી છે. સરકારના આ આક્રમક અભિગમથી ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
