<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

રાજસ્થાન હાઈકોર્ટનો મોટો ચુકાદો: આસારામને ગેંગરેપના આરોપમાંથી મળી મુક્તિ પરંતુ સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા યથાવત્ રાખી

જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ સ્વયંભૂ સંત આસારામને 2013ના કેસમાં મળી આંશિક રાહત: હાઈકોર્ટે પોક્સો એક્ટ હેઠળની સજાને માન્ય રાખી, સરકારની અપીલ ફગાવી

જોધપુર તા.૨૭ :  રાજસ્થાન હાઈકોર્ટે વિવાદાસ્પદ સ્વયંભૂ સંત આસારામ કેસમાં મંગળવારે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આસારામને ગેંગરેપના આરોપમાંથી મુક્તિ આપી છે પરંતુ સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ટ્રાયલ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા યથાવત્ રાખી છે.  

 

આ કેસ 2013નો છે. ઉત્તર પ્રદેશની એક સગીરાએ આસારામ પર જોધપુર નજીક મનાઈ આશ્રમમાં દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે 25 એપ્રિલ 2018ના રોજ આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. આસારામે ટ્રાયલ કોર્ટના ચુકાદાને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો.  

 

સુનાવણી દરમિયાન આસારામના વકીલે દલીલ કરી હતી કે ગેંગરેપનો આરોપ પાયાવિહોણો છે અને પુરાવાના અભાવે તે સાબિત થતો નથી. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ દલીલ સ્વીકારીને આસારામને IPCની કલમ 376(2)(g) હેઠળના ગેંગરેપના આરોપમાંથી નિર્દોષ છોડી મૂક્યો છે.  

 

જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે પોક્સો એક્ટ અને IPCની કલમ 376 હેઠળ સગીરા સાથે દુષ્કર્મનો આરોપ સાબિત થાય છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજાને યોગ્ય ઠેરવીને યથાવત્ રાખી છે. આ સાથે રાજ્ય સરકારે સજા વધારવા કરેલી અપીલ પણ કોર્ટે ફગાવી દીધી છે.  

 

ઉલ્લેખનીય છે કે 85 વર્ષીય આસારામ છેલ્લા 11 વર્ષથી જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. ગુજરાતના સુરતમાં પણ તેની વિરુદ્ધ દુષ્કર્મનો એક કેસ ચાલી રહ્યો છે જેમાં તેને આજીવન કેદની સજા થઈ ચૂકી છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ આસારામને જેલમાંથી બહાર આવવાની કોઈ શક્યતા નથી.

(3:45 PM IST)