તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
રાજસ્થાન યુનિવર્સિટીનો મોટો છબરડો: વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રને બદલે મળી આન્સર-કી
યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો: બેદરકારી છુપાવવા શિક્ષકોએ કરી હતી વિદ્યાર્થીઓ પર દબાણની કોશિશ, તપાસના આદેશ.

જયપુર : રાજસ્થાન યુનિવર્સિટીમાં તાજેતરમાં એમ.એસસી. ઝૂલોજી અને એમ.એ. સમાજશાસ્ત્રની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રને બદલે સીધી 'આન્સર-કી' આપી દેવાતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રિન્ટિંગ પ્રેસની ગંભીર ભૂલના કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેણે યુનિવર્સિટીના વહીવટીતંત્રની વિશ્વસનીયતાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.
ઝૂલોજીની પરીક્ષામાં જ્યારે વિદ્યાર્થીઓને પેપર વહેંચવામાં આવ્યા, ત્યારે તેમના હાથમાં પ્રશ્નપત્ર નહીં, પરંતુ સત્તાવાર 'આન્સર-કી' હતી. આ ઘટનામાં 60 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આ વાત છુપાવવા માટે બોનસ ગુણ આપવાની લાલચ પણ આપવામાં આવી હતી. અગાઉ 16 એપ્રિલના રોજ પણ એમ.એ. સમાજશાસ્ત્રની પરીક્ષામાં આવો જ છબરડો થયો હતો, જેમાં 300 વિદ્યાર્થીઓને ભૂલથી આન્સર-કી વહેંચી દેવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા પ્રશ્નપત્ર અને આન્સર-કીના સીલબંધ પેકેટોમાં ગેરસમજ થતાં આ ભૂલ થઈ હતી. સુરક્ષા નિયમો મુજબ આ પેકેટો પરીક્ષાખંડમાં જ ખુલતા હોવાથી, વહીવટીતંત્ર છેલ્લી ઘડી સુધી આ ગંભીર ચૂકથી સંપૂર્ણ અજાણ રહ્યું હતું. વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી.
યુનિવર્સિટીની આ વારંવારની બેદરકારી સામે વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલમાં રદ થયેલી પરીક્ષાઓનું નવેસરથી આયોજન કરવામાં આવ્યું છે, જે હવે 27 જૂનના રોજ યોજાશે. સમગ્ર ઘટના બાદ યુનિવર્સિટી વહીવટીતંત્રે પરીક્ષાની ગોપનીયતા જાળવવા માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરવા કવાયત હાથ ધરી છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
