<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

રાજસ્‍થાનીએ પુત્ર અને પુત્રવધૂ પર કાર ચડાવીને મારી નાખ્‍યાં

રામચંદ્ર જાટ સરપંચપદ માટે ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમનાં પુત્ર રવીન્‍દ્ર અને પુત્રવધૂ મહિન્‍દ્રએ એનો વિરોધ કર્યો હતો

ચુરુ તા.૧૬: રાજસ્‍થાનના ચુરુ જિલ્‍લામાં પંચાયતની ચૂંટણીને લઈને થયેલા વિવાદ બાદ રામચંદ્ર જાટ નામની વ્‍યક્‍તિએ ૪૦ વર્ષના પુત્ર રવીન્‍દ્ર અને તેની ૩૫ વર્ષની પત્‍ની મહિન્‍દ્ર પર બોલેરો ગાડી ચડાવીને તેમની હત્‍યા કરી હતી. રામચંદ્ર જાટ સરપંચપદ માટે ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમનાં પુત્ર રવીન્‍દ્ર અને પુત્રવધૂ મહિન્‍દ્રએ એનો વિરોધ કર્યો હતો. બોલાચાલી બાદ રામચંદ્રએ તેમના પર ગાડી ચડાવી દીધી હતી. આ કેસમાં રામચંદ્ર જાટની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના મંગળવારે રાત્રે લગભગ ૧૨.૫૦ વાગ્‍યે તારાનગર તાલુકાના ચાંગોઈ ગામમાં બની હતી. રામચંદ્ર જાટ ગામમાં વે-બ્રિજનો વ્‍યવસાય ધરાવે છે. તેઓ સરપંચની ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ પુત્ર રવીન્‍દ્ર અને પુત્રવધૂ મહિન્‍દ્રએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતને લઈને છેલ્‍લા કેટલાક દિવસથી પરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો. મંગળવારે રાત્રે પિતા અને પુત્ર વચ્‍ચે પણ બોલાચાલી થઈ હતી. આ ઝઘડા બાદ રામચંદ્ર અને રવીન્‍દ્ર વે-બ્રિજ (વજન કાંટા) પર ગયા, જ્‍યાં મહિન્‍દ્ર પણ આવી પહોંચી. ત્‍યાં ત્રણેય વચ્‍ચે ફરીથી બોલાચાલી થઈ હતી. રવીન્‍દ્ર અને મહિન્‍દ્ર પાછાં ફરી રહ્યાં હતાં ત્‍યારે રામચંદ્ર પાછળથી પોતાની બોલેરો ગાડી લઈને આવ્‍યો અને તેમને કચડી નાખ્‍યા હતા. રવીન્‍દ્ર અને મહિન્‍દ્રને ૧૧ વર્ષની પુત્રી છે.

 

(10:18 AM IST)