<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

રાજકોટ કેસરીયા રંગે રંગાયું: હર્ષ સંઘવીનો ભવ્‍ય રોડ શો

મુખ્‍ય બજારોમાં ઠેર ઠેર સ્‍વાગતઃ ભાજપના તમામ ૭૨ ઉમેદવારો તથા ભાજપના દિગ્‍ગજો સહિત હજારો કાર્યકર્તાઓ જોડાયા : બાલાજી હનુમાન મંદિરે દર્શન બાદ રોડ શો સંપન્‍ન થયો હતોઃ પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજાઈઃ બાદમાં વોર્ડ નં.૧૦-૧૧-૧૨-૧૪ અને ૫ ના કાર્યાલયની મુલાકાત લઈને રવિવારના મતદાન માટે નાગરિકો અને કાર્યકર્તાઓનો જુસ્‍સો વધાર્યો

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં પ્રચારની પ્રારંભિક રીતે ધીમી ગતિ જોવાયા બાદ હવે અંતિમ દિવીસોમાં ગઈકાલે નાયબ મુખ્‍યમંત્રી અને ભાજપના યુવા નેતા હર્ષ સંઘવીના આગમન સાથે જ જબરો માહોલ બનવાનું શરૂ થઈ ગયું છે. શહેરના હાર્દ ગણાતા ઘી કાંટા રોડ, કોઠારિયા નાકા, સોની બજાર, પરાબજાર, ધમેન્‍દ્ર રોડ સહિતના વિસ્‍તારોમાં રોડ શો યોજાયો હતો. આ રોડ શો માં હર્ષ સંઘવી સાથે સાંસદ  પરષોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના દિગ્‍ગજ નેતાઓ અને હજારો કાર્યકર્તાઓ જોડાયા હતા. જે તે વખતની તસ્‍વીરમાં દર્શાય છે. (તસ્‍વીરઃસંદિપ બગથરીયા)

રાજકોટ, તા.૨૪: રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને આડે એક દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્‍યારે  મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રભુત્‍વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે.નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે રાજકોટ શહેરની મુલાકાતે પહોંચ્‍યા હતા. સાંજે ૬ વાગ્‍યે જુના રાજકોટ વિસ્‍તારમાં ભવ્‍ય રોડ શો કર્યો હતો. જેમાં તેઓ શહેરની જૂની બજારમાં રોડ શો યોજી વેપારીઓને પણ ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી.

રાજકોટ મહાપાલિકા ચૂંટણીના અંતિમ તબક્કામાં  શહેરમાં ભાજપનો ભવ્‍ય રોડ શો યોજાયો હતો, જેમાં નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીના આગમનથી સમગ્ર શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. શહેરના મધ્‍ય વિસ્‍તારમાં ત્રિકોણબાગથી શરૂ થયેલો રોડ શો ઘીકાંટા રોડ, કોઠારીયા નાકા, સોનીબજાર, પરાબજાર, ધર્મેન્‍દ્ર રોડ, ગરેડીયાકુવા રોડ, સાંગણવાચોક અને ભુપેન્‍દ્ર રોડ સહિતના મુખ્‍ય વિસ્‍તારોમાંથી પસાર થયો હતો.

રોડ શો દરમિયાન ઠેર ઠેર વેપારી સંસ્‍થાઓ, એસોસિએશનો અને સ્‍થાનિક નાગરિકો દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું, જેના કારણે સમગ્ર વિસ્‍તાર કેસરીયા રંગમાં રંગાઈ ગયો હતો. ખાસ કરીને યુવા વર્ગમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

હર્ષ સંઘવીએ સોનીબજાર સ્‍થિત માંડવીચોક જિનાલય તેમજ હનુમાનજીના મંદિરોમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. રોડ શોના અંતે કરણપરા ખાતે બાલાજી હનુમાન મંદિર પાસે સમાપન થયું હતું. આ રોડ શોમાં રાજકોટ ભાજપના તમામ ૭૨ ઉમેદવારો અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા, જેના કારણે આ કાર્યક્રમ ભાજપ માટે મેગા શો સાબિત થયો હતો. રોડ શો બાદ સાંજે સયાજી હોટલ ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે સીધો સંવાદ થયો હતો.

પછી હર્ષ સંઘવીએ વોર્ડ નં. ૧૦, ૧૧, ૧૨, ૧૪ અને ૫ના ચૂંટણી કાર્યાલયોની મુલાકાત લઈને કાર્યકર્તાઓમાં ઉત્‍સાહ ભરી દીધો હતો. તેમના આગમન સાથે રાજકોટમાં ભાજપનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્‍યો છે અને આવનાર મતદાન માટે પક્ષ તરફી માહોલ મજબૂત બન્‍યો છે.

 

(2:12 PM IST)