તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
એમબીબીએસના ફાઇનલ યરમાં અભ્યાસ કરતી રાજકોટની આસ્થાબા એડવોકેટ પિતાની લાડકવાયી દિકરી હતીઃ પરિવાર પર વજ્રઘાત
ગાંધીનગર અડાલજ નજીક ગરબા રમી પરત ફરતાં છાત્રોની કારને ગમખ્વાર અકસ્માતમાં ભોગ બનનાર : સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના પેન્ટાગોન ટાવરમાં રહેતાં પરિવાર અને પાડોશીઓમાં શોકની કાલીમાઃ પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતો નાનો ભાઇ ઘટનાથી અજાણઃ માતા-પિતા અવાચક : અભ્યાસમાં નાનપણથી અવ્વલ રહેલા આસ્થાબા રાઠોડ એચ. કે. શાહ મેડિકલ કોલેજમાં ફાઇનલ યરમાં હતાં: રાજકોટએ આશાસ્પદ તબિબ ગુમાવ્યા

ભોગ બનનાર આસ્થાબા રાઠોડનું પેન્ટાગોન ટાવર ખાતે આવેલુ નિવાસસ્થાન (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૦: વહેલી સવારે ગાંધીનગરના અડાલજ નજીક ગરબા રમી પોતાના ઘરે અને હોસ્ટેલ તરફ જઇ રહેલા છાત્રોની કારને નડેલા ગંભીર અકસ્માતમાં બે યુવતિ સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનામાં રાજકોટના એડવોકેટ સંજયરાજ રાઠોડની લાડકવાયી પુત્રી ચિ. આસ્થાબા રાઠોડનું પણ મૃત્યુ થયું છે. ઘટનાની સંપૂર્ણ વિગતોથી અજાણ રાખી પરિવારને લઇ સગા સંબંધીઓ અમદાવાદ પહોંચ્યા છે. હોસ્પિટલથી મળતી માહિતી મુજબ અમદાવાદ પહોંચ્યા બાદ આસ્થાના મૃત્યુના ખબર સાંભળી પિતા પડી ભાંગ્યા છે. તેમને સારવાર આપવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. માતાને આ લખાય છે ત્યારે બપોરે ત્રણ વાગ્યે પુત્રીના મૃત્યુ અંગે વાકેફ કરવામાં આવ્યા નહોતાં. પરંતુ કંઇક અજુગતુ બન્યાની આશંકાએ તેઓ અવાચક થઇ ગયા છે. તેમજ મૃત્યુ પામનાર આસ્થાબાના નાના ભાઇને તો આ ઘટના અંગે જાણ પણ કરવામાં આવી નથી. નાનો ભાઇ આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. કન્સલ્ટન્ટ એડવોકેટ સંજયરાજ રાઠોડની ઓફિસ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી છે. મૃત્યુ પામનાર આસ્થાબાના નિષ્પ્રાણ દેહને પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધી માટે સાંજ સુધીમાં રાજકોટ લઇ આવવામાં આવશે. તેવુ પરિવારની નજીકમાં સંકળાયેલા સુત્રોએ જણાવ્યું હતું. આસ્થાબા એમબીબીએસના ફાઇનલ યરમાં અભ્યાસ કરતાં હતાં. અકસ્માતમાં ભોગ બનનાર આસ્થાબા નાનપણથી જ અભ્યાસમાં રૂચી ધરાવતાં હતાં અને અત્યાર સુધીની કારકિર્દીમાં સતત અવ્વલ રહ્યા હતાં. અમદાવાદની એચ. કે. શાહ મેડિકલ કોલેજ (ચાંદખેડા) ખાતે એમબીબીએસના ફાઇલન યરમાં અભ્યાસ કરતાં હતાં. રાજકોટએ આશાસ્પદ ભાવી તબિબને ગુમાવ્યા છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
