હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકુમાર રાવની નવી ફિલ્મ 'પ્રહાર' અંગત બાયોપિક નથી પણ કસાબ કેસનો કોર્ટરૂમ ડ્રામા છે: ઉજ્જવલ નિકમનો ખુલાસો
૨૬/૧૧ આતંકી હુમલાના કેસ અને ન્યાયિક પ્રક્રિયા પર આધારિત ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ; પદ્મશ્રી એડવોકેટે રાજકુમાર રાવના અદ્ભુત અભિનયના કર્યા વખાણ

મુંબઈ, તા.૧૬: બોલિવૂડના જાણીતા અભિનેતા રાજકુમાર રાવની નવી બહુચર્ચિત ફિલ્મ 'પ્રહાર' સિનેમાઘરોમાં રજૂ થતાં જ ભારે ચર્ચા જાગી છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ દેશના વિખ્યાત સરકારી વકીલ અને પદ્મશ્રીથી સન્માનિત ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે. જોકે, ફિલ્મ અંગે વાસ્તવિકતા સ્પષ્ટ કરતા ઉજ્જવલ નિકમે પોતે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ તેમની વ્યક્તિગત બાયોપિક નથી, પરંતુ ૨૬/૧૧ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન જીવતો પકડાયેલા આતંકી અજમલ કસાબ સામે ચલાવવામાં આવેલી ઐતિહાસિક કાનૂની લડાઈ અને કોર્ટરૂમ ડ્રામા પર આધારિત છે.
એક ખાસ મુલાકાતમાં ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું કે ફિલ્મમાં કસાબની ધરપકડ બાદ કોર્ટરૂમમાં બનેલી ઘટનાઓ અને તેની સામે કાયદાકીય કેસ ચલાવવાની પ્રક્રિયાનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે નિર્માતાઓએ વકીલના જીવન પર ફિલ્મ બનાવવાની વાત કરી ત્યારે તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની જનતાને એ સમજાવવાનો હતો કે કસાબ જેવા આતંકી સામે પણ કાનૂની ટ્રાયલ ચલાવવી કેમ અનિવાર્ય હતી અને ન્યાયતંત્રે કેવી રીતે પારદર્શકતાથી કામ કર્યું.
કેસના ભૂતકાળના આંકડા વાગોળતા તેમણે ઉમેર્યું કે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના હુમલા બાદ ૬ મે, ૨૦૦૯ના રોજ કસાબ સામે આરોપો નક્કી થયા હતા અને ૫ મે, ૨૦૧૦ના રોજ તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આ સમગ્ર કેસ દરમિયાન કુલ ૬૫૦ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આટલા વિશાળ અને જટિલ કેસને કાયદાની મર્યાદામાં રહીને અંજામ સુધી પહોંચાડવાની સંઘર્ષપૂર્ણ યાત્રાને આ ફિલ્મમાં ખૂબ જ ગંભીરતાથી વણી લેવામાં આવી છે.
ફિલ્મ જોવાના પોતાના અનુભવ અંગે વાત કરતા ઉજ્જવલ નિકમે સ્વીકાર્યું હતું કે 'પ્રહાર' જોવી તેમના માટે ભાવનાત્મક રીતે અત્યંત મુશ્કેલ રહી હતી. આ હાઈ-પ્રોફાઇલ કેસની સુનાવણી દરમિયાન તેમણે અને તેમના પરિવારે જે માનસિક તણાવ અને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે ક્ષણો પડદા પર જોઈને તેઓ ભાવુક બની ગયા હતા. તેમણે જણાવ્યું કે ફિલ્મ જોતી વખતે જૂની યાદો તાજી થઈ ગઈ હતી.
રાજકુમાર રાવના અભિનયની પ્રશંસા કરતા ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું કે કોર્ટમાં દલીલો કરતી વખતે તેમની જે આક્રમક શૈલી અને શારીરિક હાવભાવ હોય છે, તેને રાજકુમારે પડદા પર બેહૂબ ઉતાર્યા છે. તેમના વકીલ મિત્રોએ પણ રાજકુમારના કામની મુક્ત મણે પ્રશંસા કરી છે.
દિગ્દર્શક અવિનાશ અરુણના કુશળ નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત જયદીપ અહલાવત, વામિકા ગબ્બી, લલિત પ્રભાકર, સિકંદર ખેર, આશિષ વિદ્યાર્થી અને રિત્વિક સાહોરે જેવા શ્રેષ્ઠ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ૧૬ ઑક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોને ભારતીય ન્યાયપ્રણાલીની મજબૂતી અને કાનૂની સંઘર્ષની વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનો એક સફળ પ્રયાસ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
