તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
રામ મંદિર દાન ચોરી વિવાદ: ટ્રસ્ટે SBI પર દોષનો ટોપલો ઢોળ્યો, પણ શું પોતાના જ ભૂતપૂર્વ પદાધિકારીઓની ભૂમિકા છુપાવવાનો પ્રયાસ?
SIT ની તપાસમાં ટ્રસ્ટના પૂર્વ અધિકારીઓની બેદરકારી ખુલ્લી પડી છતાં મૌન: બેંક બદલવાની ધમકી વચ્ચે દાનની ગણતરી માટે બે શિફ્ટની નવી સિસ્ટમ શરૂ

અયોધ્યા : અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાનની કથિત ચોરી અને ઉચાપત મામલે ભારે ઘમાસાણ મચ્યું છે. ટ્રસ્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને કરાર અને નિયમોનું પાલન ન કરવા બદલ દોષિત ઠેરવીને ખાનગી બેંક પસંદ કરવાની ચીમકી આપી છે. પરંતુ બીજી તરફ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસમાં ટ્રસ્ટના ભૂતપૂર્વ હોદ્દેદારો અને વરિષ્ઠ અધિકારીઓની આંતરિક નિષ્ફળતાઓ ખુલ્લી પડી હોવા છતાં, ટ્રસ્ટ દ્વારા તેમના પ્રત્યે સેવવામાં આવેલું મૌન અનેક ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે.
SIT ના ચોંકાવનારા તારણો પર ટ્રસ્ટનું મૌન
ટ્રસ્ટની તાજેતરમાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં માત્ર SBI ની બેદરકારી દર્શાવવામાં આવી હતી. પરંતુ SIT ની તપાસમાં જે મુખ્ય બાબતો સામે આવી હતી તે અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી:
· મુખ્ય નિયમોમાં છૂટછાટ: SIT રિપોર્ટ અનુસાર, ભૂતપૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાએ MoU માં નિર્ધારિત મુખ્ય સલામતીના નિયમોમાં છૂટછાટ આપી હતી, જેના કારણે દાન ગણતરીની સિસ્ટમ નબળી પડી અને ચોરી શક્ય બની.
· ચાવીઓનો બેરોકટોક એક્સેસ: ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાયની ભૂમિકા સામે પણ સવાલો છે, જેમણે તિનુ યાદવ નામના વ્યક્તિને વ્યાપક સત્તા આપી હતી. આ વ્યક્તિ પાસે દાન પેટીઓ અને ગણતરી ખંડ બંનેની ચાવીઓ હતી, જેને SIT એ ઉચાપતનું મુખ્ય કારણ માન્યું છે.
SBI ની આંતરિક તપાસ અને ચેતવણી છતાં ઉપેક્ષા?
અયોધ્યામાં SBI ની શાખા ટ્રસ્ટની આશરે ₹૮૯૦ કરોડની થાપણો અને દૈનિક રોકડ દાનનું સંચાલન કરે છે. બેંક સૂત્રોના જણાવ્યા અનુસાર:
· બેંકની આગોતરી ચેતવણી: કૌભાંડ સામે આવ્યું તેના ત્રણેક મહિના પહેલા જ SBI એ આંતરિક દેખરેખ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ નોંધી હતી અને કેટલાક આઉટસોર્સ્ડ કર્મચારીઓને ગણતરીમાંથી હટાવવા ટ્રસ્ટને સત્તાવાર ભલામણ કરી હતી.
· ગંભીર સવાલ: બેંકની સ્પષ્ટ ભલામણ છતાં તે કર્મચારીઓને ગણતરીમાંથી કેમ દૂર ન કરાયા? શું ટ્રસ્ટના જ કોઈ શક્તિશાળી પદાધિકારીએ તેમને રક્ષણ આપ્યું હતું? તેની તપાસ ચાલી રહી છે.
નવી ગણતરી સિસ્ટમ અને ૨ શિફ્ટની અમલવારી
વિવાદ બાદ ૧૯ જુલાઈથી ટ્રસ્ટે SBI ની દેખરેખ હેઠળ દાન ગણતરી માટે સંપૂર્ણ નવી કડક સિસ્ટમ લાગુ કરી છે:
· બે શિફ્ટની વ્યવસ્થા: જૂની ટીમોને બદલી નાખીને હવે ૨ શિફ્ટમાં કામગીરી કરવામાં આવે છે.
· સમયપત્રક: પ્રથમ પાળી સવારે ૮:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી અને બીજી પાળી બપોરે ૨:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી ચાલે છે. દરેક શિફ્ટમાં ૧૦ થી ૧૨ સુરક્ષા-પ્રશિક્ષિત કર્મચારીઓ તૈનાત રહે છે.
આ સમગ્ર મામલે ટ્રસ્ટે તેની નાણાકીય સમિતિને SBI ના અધિકારીઓ સાથે વાતચીત કરવા અને ભવિષ્યમાં કરાર રદ કરી ખાનગી બેંકમાં ખાતું ટ્રાન્સફર કરવા અંગે સમીક્ષા કરવાની સૂચના આપી છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
