<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

જગતમંદિર દ્વારકાની સુરક્ષા રામભરોસે: પ્રતિબંધ છતાં યુવક મોબાઈલ અંદર લઈ ગયો અને વીડિયો બનાવ્યો

સુરક્ષાના કડક નિયમોના દાવાઓ પોકળ સાબિત; ગર્ભગૃહમાંથી વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ

દ્વારકા : દ્વારકાધીશ જગતમંદિરમાં સુરક્ષાના કડક નિયમો અને મોબાઈલ ફોન લઈ જવા પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, એક યુવક બેરોકટોક મોબાઈલ ફોન સાથે મંદિરની અંદર પ્રવેશ કરવામાં સફળ રહ્યો હતો અને ગર્ભગૃહમાંથી દર્શન કરતા જતી વખતનો વિડીયો પોતાના કેમેરામાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

અતિ સંવેદનશીલ અને સુરક્ષાના કવચ હેઠળ રહેતા આ પવિત્ર ધામમાં કોઈપણ રોકટોક વગર મોબાઈલ અંદર પહોંચી જવાની આ ઘટનાએ તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો મૂકી દીધા છે, કારણ કે પ્રવેશદ્વાર પર પોલીસ તથા સુરક્ષા કર્મીઓનો ચૂસ્ત બંદબોસ્ત હોવા છતાં આ યુવકે સુરક્ષા કવચને ભેદીને અંદર કેવી રીતે પ્રવેશ કર્યો તે સૌથી મોટો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસ જવાનોની હાજરી હોવા છતાં આ પ્રકારની બેદરકારી સામે આવી છે, અને સામાન્ય ભક્તો માટે કડક ચેકિંગ કરવામાં આવતું હોવાનો દાવો કરતું તંત્ર આ યુવકના કિસ્સામાં કેમ નિષ્ફળ ગયું તેવા સવાલો પણ શ્રદ્ધાળુઓ દ્વારા પૂછવામાં આવી રહ્યા છે.

આ ગંભીર મામલે વીડિયો વાયરલ થયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ તંત્ર અને મંદિર પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે, અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ યુવકે કયા પોઈન્ટથી તપાસ ટાળી તેની તપાસ શરૂ કરાઈ છે ત્યારે ભક્તોમાં પ્રબળ માંગ ઉઠી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે.

(3:07 PM IST)