તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
જાપાનમાં બોક્સ ઓફિસ પર રણબીર કપૂર સામે 'ધૂરંધર' થઈ ઢેર: ₹૩૦૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મ જોવા માટે જાપાનીઓ ન આવ્યા!
ભારતીય સિનેમાના ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવનારી આદિત્ય ધારની જાસૂસી ફિલ્મને જાપાનમાં મળ્યો જોરદાર ફટકો : રણબીર સિંહ સ્ટારર આ ફિલ્મે ટિકિટ બારી પર પહેલા જ દિવસે ઘૂંટણ ટેકવી દીધા

ટોક્યો: બોલીવુડના ઈતિહાસમાં વિશ્વભરમાંથી ₹૩૦૦૦ કરોડથી વધુની તોતિંગ કમાણી કરીને નવો કીર્તિમાન સ્થાપિત કરનારી સુપરહિટ ફિલ્મ 'ધૂરંધર'ને લઈને એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય દર્શકોની ઊંઘ હરામ કરનારી અને પોતાની દિલધડક જાસૂસી વાર્તા, શાનદાર દ્રશ્યો તેમજ ગીતોથી બધાને સ્તબ્ધ કરનારી આદિત્ય ધારની ફિલ્મ ગત ૧૦ જુલાઈના રોજ જાપાનના થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ભારતમાં ટ્રેડ એનાલિસ્ટ્સ અને મેકર્સને આશા હતી કે આ બ્લોકબસ્ટર ફિલ્મ જાપાનમાં પણ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખશે, પરંતુ અફસોસ કે જાપાની બોક્સ ઓફિસ પર આ ફિલ્મની શરૂઆત અત્યંત નિરાશાજનક અને ફ્લોપ સાબિત થઈ છે.
જાપાનની પ્રતિષ્ઠિત ટ્રેડ વેબસાઇટ 'મિમોરિન'ના અહેવાલ અનુસાર, રણબીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધૂરંધર' પોતાના ઓપનિંગ ડે પર જાપાનની ટોચની ૨૫ ફિલ્મોના રેન્કિંગમાં પણ સ્થાન મેળવવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે. ફિલ્મના પહેલા ભાગની શરૂઆત સવારે થોડી આશાસ્પદ રહી હતી, જેમાં બપોરે ૨ વાગ્યા સુધીમાં ૫૭ થિયેટરોમાં આશરે ૪૪૯ પ્રેક્ષકો નોંધાયા હતા. જોકે, દિવસના બીજા ભાગમાં ફિલ્મની ગતિ એટલી હદે ધીમી પડી ગઈ કે જાપાનના કુલ ૮૦ થિયેટરોમાં રિલીઝ થઈ હોવા છતાં તેને જોવા માટે દર્શકો જ ન મળ્યા. સત્તાવાર આંકડાઓ મુજબ, આ ભવ્ય ફિલ્મને તેના પહેલા દિવસે આખા જાપાનમાંથી ૯૦૦ થી પણ ઓછા ફૂટફોલ્સ (પ્રેક્ષકો) મળ્યા છે, જે બોલીવુડની આટલી મોટી ફિલ્મ માટે મોટો આંચકો ગણાય.
આ રસપ્રદ બોક્સ ઓફિસ જંગમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, 'ધૂરંધર'ની સ્થિતિ અલ્લુ અર્જુનની સાઉથ બ્લોકબસ્ટર 'પુષ્પા ૨' જેવી જ થઈ છે, જેને રિલીઝના પહેલા દિવસે ૬૮ થિયેટરોમાં માત્ર ૮૮૬ દર્શકો મળ્યા હતા. જાપાનમાં સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ભારતીય ફિલ્મોની વાત કરીએ તો રણબીર કપૂરની 'બ્રહ્માસ્ત્ર' આજે પણ ૧૦.૧ હજાર પ્રેક્ષકો સાથે ખૂબ આગળ છે. રણબીર કપૂરના આ રેકોર્ડની આસપાસ પહોંચવામાં પણ રણબીર સિંહની 'ધૂરંધર' અને અલ્લુ અર્જુનની 'પુષ્પા ૨' બંને નિષ્ફળ રહી છે અને જાપાનની ધરતી પર ટોચની ૧૦ ભારતીય ફિલ્મોની યાદીમાંથી બહાર થઈ ગઈ છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
