તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
રણથંભોર બન્યું વાઘનું 'સુપર સ્ત્રોત': NTCA ના માસ્ટરપ્લાનમાં દેશના ૨૦૪૭ ના ટાઇગર વિઝન માટે મોટો ધમાકો!
ઉત્તર-પશ્ચિમ ભારતનું એકમાત્ર ટાઇગર રિઝર્વ જે પડોશી રાજ્યો અને જંગલોને આપી રહ્યું છે નવું જીવન; કૌશલ્ય અને જૈવવિવિધતાનો અદ્ભુત નમૂનો

જયપુર : રાજસ્થાનનું વિશ્વપ્રસિદ્ધ રણથંભોર ટાઇગર રિઝર્વ હવે ભારત માટે માત્ર એક પ્રવાસન સ્થળ નથી રહ્યું, પરંતુ દેશમાં વાઘની વસ્તી વધારનાર સૌથી મોટું 'પાવરહાઉસ' બની ગયું છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) ના તાજેતરના રિપોર્ટમાં રણથંભોરને ઉત્તર-પશ્ચિમ ભારતનું સૌથી મજબૂત "સ્ત્રોત વાઘ અભયારણ્ય" (Source Tiger Reserve) જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીના દેશના લાંબા ગાળાના સંરક્ષણ વિઝનમાં રણથંભોર વાઘની નસલ બચાવવા અને નવા જંગલો વસાવવા માટેનું મુખ્ય કેન્દ્ર બનશે.
દેશના ૧૩ 'સ્ત્રોત સંરક્ષિત વિસ્તારો'માં સ્થાન: પ્રતિ ૧૦૦ ચો. કિમી.માં ૯.૬ વાઘ!
NTCA ના વ્યૂહાત્મક અહેવાલ "ભારતમાં વાઘના સક્રિય સંચાલન માટેનો રોડમેપ" મુજબ, દેશભરમાં ૧૩ વિસ્તારોને વાઘ સંવર્ધન માટે 'સોર્સ' તરીકે પસંદ કરાયા છે. તેમાંથી આખા ઉત્તર-પશ્ચિમ ભારતનું એકમાત્ર રણથંભોર છે જે અર્ધ-શુષ્ક અને સૂકા જંગલો વચ્ચે પણ વાઘની મજબૂત વસ્તી ધરાવે છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, વિપુલ પ્રમાણમાં શિકાર (સાંભર, ચિતલ, નીલગાય, જંગલી ડુક્કર) અને ઉત્તમ રક્ષણાત્મક માળખાને કારણે રણથંભોરમાં વાઘની ઘનતા પ્રતિ ૧૦૦ ચોરસ કિલોમીટરમાં આશરે ૯.૬ વાઘ પહોંચી ગઈ છે, જે દેશમાં સૌથી વધુ ઘનતા ધરાવતા વાઘ નિકેતોમાંનું એક છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અન્ય જંગલોને આપી રહ્યું છે વાઘની ભેટ
રણથંભોરમાં વાઘની સંખ્યા એટલી મજબૂત થઈ ચૂકી છે કે ત્યાંથી કુદરતી રીતે જ વિખેરાઈને વાઘ આસપાસના અન્ય જંગલો અને રાજ્યોમાં સ્થળાંતર કરી રહ્યા છે. આ રિઝર્વમાંથી નીકળેલા વાઘોએ નીચેના વિસ્તારોમાં પોતાની નવી વસાહતો ઊભી કરી છે:
· કુનો રાષ્ટ્રીય ઉદ્યાન (મધ્યપ્રદેશ)
· રામગઢ વિશ્ધારી ટાઇગર રિઝર્વ (રાજસ્થાન)
· મુકુન્દરા હિલ્સ (રાજસ્થાન)
· ધોલપુર-કરૌલી ટાઇગર રિઝર્વ (રાજસ્થાન)
આ પર્યાવરણીય ફેલાવાને ધ્યાનમાં રાખીને NTCA એ આ તમામ વિસ્તારોને "પ્રાપ્તકર્તા લેન્ડસ્કેપ્સ" (Recipient Landscapes) તરીકે જાહેર કર્યા છે.
૨૦૪૭ સુધીનું ભારતનું વિઝન: ઓછી ઘનતા વાળા જંગલોમાં વાઘ પુનઃસ્થાપિત કરાશે
NTCA ના નવા વિઝન મુજબ, જે જંગલોમાં વાઘની સંખ્યા ૫ કે તેથી ઓછી થઈ ગઈ છે, ત્યાં રણથંભોર જેવા 'સોર્સ જંગલો'માંથી વૈજ્ઞાનિક રીતે વાઘને શિફ્ટ (પુનઃપ્રવેશ) કરવામાં આવશે. ૨૦૪૭ સુધી ભારતનો વાઘ સંરક્ષણ કાર્યક્રમ માત્ર વાઘને બચાવવા પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ કુદરતી વિખેરાવ અને સક્રિય સંચાલન દ્વારા લુપ્ત થતી પ્રજાતિઓને નવા જંગલો આપવાનું કામ કરશે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
