<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ફરહાન અખ્તર સાથે પંગો રણવીર સિંહને ભારે પડ્યો: FWICE એ લીધા કડક પગલાં : સુપરસ્ટાર સામે 'અસહકાર આંદોલન' છેડતાં બોલિવૂડમાં ખળભળાટ

શૂટિંગના માત્ર ત્રણ અઠવાડિયા પહેલા એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ છોડવા બદલ ₹૪૫ કરોડનું તોતિંગ નુકસાન : ત્રણ-ત્રણ નોટિસ ફગાવ્યા બાદ ફેડરેશને સભ્યોને રણવીર સાથે કામ ન કરવા આદેશ આપ્યો

મુંબઈ: બોલિવૂડના પાવરહાઉસ ગણાતા સુપરસ્ટાર રણવીર સિંહની મુશ્કેલીઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ અભિનેતા સામે આરપારની લડાઈ શરૂ કરતા તેમની વિરુદ્ધ 'અસહકાર કરાર' (નોન-કોઓપરેશન) જાહેર કર્યો છે. ફેડરેશને તેના તમામ સભ્યો, કામદારો, ટેકનિશિયનો અને ક્રૂ મેમ્બર્સને કડક સૂચના આપી છે કે જ્યાં સુધી આ વિવાદનો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈએ પણ રણવીર સિંહના કોઈપણ નવા કે ચાલુ પ્રોજેક્ટમાં કામ કરવું નહીં. જો કે સંસ્થાએ સત્તાવાર રીતે "પ્રતિબંધ" શબ્દનો પ્રયોગ નથી કર્યો, પરંતુ ટેકનિશિયનો દ્વારા કામ રોકી દેવાના આ નિર્ણયને ફિલ્મ ઉદ્યોગમાં રણવીર પરનો સીધો અને મોટો પ્રતિબંધ માનવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રણવીરે જાણીતા નિર્માતા-નિર્દેશક ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ' સાથેની ત્રણ ફિલ્મોની મોટી ડીલમાંથી છેલ્લી ઘડીએ પીછેહઠ કરી. ફિલ્મનું શૂટિંગ શરૂ થવાને માત્ર ત્રણ અઠવાડિયા બાકી હતા ત્યારે જ રણવીરે કોઈ નક્કર કારણ આપ્યા વિના અચાનક પ્રોજેક્ટ છોડી દીધો હતો. નિર્માતાઓએ પ્રી-પ્રોડક્શન અને સેટની તૈયારીઓ પાછળ અંદાજે ₹૪૫ કરોડ ખર્ચી નાખ્યા હતા, જે રણવીરના આ વોકઆઉટથી સંપૂર્ણપણે પાણીમાં ગયા હતા. ભારે આર્થિક નુકસાન વેઠ્યા બાદ ફરહાને આ મામલે FWICE નો સંપર્ક કર્યો હતો. ફેડરેશને રણવીરને તેનો પક્ષ રજૂ કરવા ત્રણ રીમાઇન્ડર નોટિસ મોકલી હતી, પરંતુ સુપરસ્ટાર તરફથી મૌન સેવવામાં આવતા મામલો બિચક્યો હતો.

જ્યારે ફેડરેશન કડક કાર્યવાહીના મૂડમાં આવ્યું, ત્યારે રણવીરના મેનેજરે ઈમેઈલ મોકલી ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને FWICE એ સરેઆમ ફગાવી દીધો છે. ફેડરેશને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ મેનેજર કે પ્રતિનિધિ સાથે વાત નહીં કરે, રણવીરે પોતે ઓફિસ આવીને કમિટી સમક્ષ હાજર થવું પડશે. ફેડરેશને ગંભીર લહેજામાં કહ્યું કે, "ઉદ્યોગમાં ગમે તેટલો મોટો સ્ટાર હોય, કોઈ નિયમોથી ઉપર નથી. સ્ટારડમ સાથે જવાબદારી પણ આવે છે." તાજેતરમાં જ 'ધુરંધર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને બોક્સ ઓફિસના નવા "ડોન" તરીકે ઉભરેલા રણવીર સિંહ માટે આ પ્રતિબંધ મોટી આફત સમાન છે.

(7:13 PM IST)