<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રેપ પીડિતાને ૨૦ સપ્તાહ પછી પણ ગર્ભપાતની છૂટ આપોઃ સુપ્રીમ

કાયદામાં સુધારાની તાકીદઃ અંતિમ નિર્ણય પીડિતા અને તેના માતાપિતાનો હોવો જોઇએ, તબીબી સંસ્‍થાઓનો નહીં

નવી દિલ્‍હી તા.૧: સગીરા સહિત રેપ પીડિતા માટે દુરોગામી અસરો સાથેના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્‍યું હતું કે સગીરાને ગર્ભધારણ કરવાની ફરજ પાડી શકાય નહીં. આ મામલે કેન્‍દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢીને સર્વોચ્‍ચ અદાલતે બળાત્‍કાર પીડિતાને ૨૦ અઠવાડિયાથી વધુ સમય પછી પણ અનિચ્‍છનીય ગર્ભાવસ્‍થાનો અંત લાવવા માટે કાયદામાં સુધારો કરવાની તાકીદ કરી હતી.

મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંત અને ન્‍યાયાધીશ જોયમલ્‍યા બાગચીની બેન્‍ચે AIIMSની  અરજી સામે સખત વાંધો ઉઠાવ્‍યો હતો. એઇમ્‍સે ૧૫ વર્ષની સગીરાને તેની ૩૦ અઠવાડિયાની ગર્ભાવસ્‍થાનો તબીબી રીતે અંત લાવવાની મંજૂરી આપતા સર્વોચ્‍ચ અદાલતના આદેશને રદ કરવાની માંગણી કરી હતી.

CJIએ જણાવ્‍યું હતું કે તમારા કાયદામાં સુધારો કરો. બળાત્‍કાર વગેરેને કારણે ગર્ભાવસ્‍થા થાય છે, ત્‍યારે સમય મર્યાદા હોવી જોઇએ નહીં. કાયદો બદલાતા સમય સાથે સુસંસત હોવો જોઈએ. આવા ટ્રાયલ એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય તે માટે પણ કાયદામાં સુધારો કરો. બાળકે પેન્‍ડિંગ ટ્રાયલની પીડા શા માટે સહન કરવો જોઈએ.

ખંડપીઠે ભાવુક ટીપ્‍પણી કરતાં જણાવ્‍યું હતું કે આ બાળક પર બળાત્‍કારનો કેસ છે અને જો ગર્ભપાતની મંજૂરી ન અપાય તો પીડિતાને આખી જિદગી માનસિક આઘાત સહન કરવો પડશે. આ અનિચ્‍છિત ગર્ભ છે. કલ્‍પના કરો કે તે હજુ બાળકી છે, તેને અભ્‍યાસ કરવો જોઈએ. પરંતુ આપણે તેને માતા બનાવવા માંગીએ છીએ. જરા એ બાળકીને દર્દ અને અપમાનની કલ્‍પના કરો. પીડિતાના માતા-પિતાને કાઉન્‍સેલિગ આપવાનું સૂચન કરીને કોર્ટે સ્‍પષ્ટ કર્યું હતું કે  અંતિમ નિર્ણય પીડિતા અને તેના પરિવારનો જ રહેશે. ગર્ભપાત અંગેનો અંતિમ નિર્ણય પીડિતા અને તેના માતા-પિતાનો જ રહેશે અને AIIMS તેમને યોગ્‍ય માહિતી આપી મદદ કરી શકે છે.દેશમાં ઘણા અનાથ બાળકો છે, જેને દત્તક લેવા માટે લોકો તૈયાર છે, પરંતુ આ ૧૫ વર્ષની બાળકીનો અનિચ્‍છિત ગર્ભ છે.

AIIMS તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું હતું કે ૩૦ અઠવાડિયે ગર્ભપાત શક્‍ય નથી અને બાળક ગંભીર વિકલાંગતા સાથે જન્‍મી શકે છે.

કોર્ટના તિરસ્‍કારની કાર્યવાહીની કેન્‍દ્ર અને AIIMSને વોર્નિગ  સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના આદેશનો અમલ ન થવા પર કેન્‍દ્ર અને એઇમ્‍સ, નવી દિલ્‍હી સામે કોર્ટના તિરસ્‍કારની કાર્યવાહી કરવાની પણ વોર્નિગ આપી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે રેપ પીડિતા ૧૫ વર્ષની સગીરાને ૩૦ સપ્તાહની ગર્ભાવસ્‍થાના તબીબી સમાપ્તિને મંજૂરી આપી હતી. જોકે એઇમ્‍સે આ આદેશનું પાલન કરવાની જગ્‍યાએ સુપ્રીમ કોર્ટમાં આદેશ રદ કરવાની માગણી કરી હતી. તેથી પીડિતાની માતાએ તિરસ્‍કારની અરજી દાખલ કરી હતી.

(10:10 AM IST)