<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ગ્રાહકો પાસેથી વધારાના પૈસા પડાવવા 'રેપિડો'ને ભારે પડ્યા: CCPAએ ફટકાર્યો ૧૦ લાખ રૂપિયાનો આકરો દંડ!

રાઈડ બુકિંગ વખતે 'ડાર્ક પેટર્ન' અને ટિપ આપવાના ભ્રામક મેસેજ દર્શાવી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ કડક કાર્યવાહી; કમિશને તાત્કાલિક આવી પદ્ધતિઓ બંધ કરવા આદેશ આપ્યો

નવી દિલ્હી : દેશમાં બાઈક અને ટેક્સી એગ્રીગેટર તરીકે જાણીતી એપ 'રેપિડો' (Rapido) ને ગ્રાહકો પાસેથી અનૈતિક રીતે વધુ ભાડું પડાવવું ભારે પડી ગયું છે. સેન્ટ્રલ કન્સ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો, અયોગ્ય વેપાર પદ્ધતિઓ અને બુકિંગ દરમિયાન 'ડાર્ક પેટર્ન' (Dark Patterns) નો ઉપયોગ કરવા બદલ રેપિડો સંચાલિત કંપની રોપન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ પર ૧૦ લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે.

 

તપાસ દરમિયાન ઓથોરિટીએ નોંધ્યું કે રેપિડો એપ પર ગ્રાહક જ્યારે રાઈડ બુક કરી રહ્યો હોય ત્યારે "વધારે ભાડું આપશો તો રાઈડ મળવાની શક્યતા વધુ રહેશે" અથવા "કેપ્ટન ૬૦ રૂપિયામાં નથી માનતા, +૧૦, +૨૦ કે +૩૦ ઉમેરો" જેવા ભ્રામક મેસેજ દર્શાવવામાં આવતા હતા. આ સિવાય ભાડું નક્કી કરવા માટે કલર-કોડેડ સ્લાઈડરનો ઉપયોગ કરી ગ્રાહકો પર માનસિક દબાણ ઊભું કરવામાં આવતું હતું. આ પ્રકારની 'ઈન્ટરફેસ ઈન્ટરફીયરેન્સ' અને 'કન્ફર્મ શેમિંગ' પદ્ધતિ ગ્રાહકની મજબૂરીનો લાભ લે છે.

 

CCPA એ સ્પષ્ટતા કરી છે કે રાઈડ બુક કરતી વખતે જ મૂળ ભાડામાં અંતર, સમય, ટ્રાફિક અને ડ્રાઈવરનું વળતર ગણાઈ જતું હોય છે, તેથી રાઈડ શરૂ થાય તે પહેલાં વધુ ટિપ કે ભાડું ઉમેરવા દબાણ કરવું ગેરકાયદેસર છે. ટિપ હંમેશા સેવા પૂરી થયા પછી ગ્રાહકની સ્વેચ્છાએ આપવાની વસ્તુ છે, તેને રાઈડ મળવાની શરત બનાવી શકાય નહીં. મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ ૨૦૨૫ નો ભંગ કરવા બદલ રેપિડોને આવી તમામ ભ્રામક સિસ્ટમ તાત્કાલિક અસરથી બંધ કરવા કડક સૂચના આપવામાં આવી છે.

(7:25 PM IST)