તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
રથયાત્રા પર મેઘરાજાની મહેર કે કહેર?: પુરી સહિત સમગ્ર ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર
હવામાન વિભાગ દ્વારા ‘રેડ’ અને ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર: ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારત સુધી ચોમાસું થયું સક્રિય, લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સામે કુદરતી પડકાર

ભુવનેશ્વર/કોલકાતા: ભારતભરમાં આસ્થાના મહાપર્વ ગણાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે, ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ યોજાનાર છે. જોકે, આ ભવ્ય ઉત્સવના રંગમાં ભંગ પડે તેવી શક્યતા હવામાન વિભાગ (IMD) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ઓડિશાના પુરી સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પુરીમાં રેડ એલર્ટ, શ્રદ્ધાળુઓ માટે વિશેષ સાવધાની
વિશ્વવિખ્યાત પુરી રથયાત્રાના એક દિવસ પહેલા જ હવામાન વિભાગે પુરી અને જગતસિંહપુર જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ, પુરીમાં મંગળવાર સાંજથી જ વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. ભગવાનના રથ જ્યાંથી પસાર થશે તે ગ્રાન્ડ રોડ પર પાણી ભરાવાની સમસ્યાને ટાળવા માટે ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી છે અને પંપ દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને ભીડમાં અને વરસાદના સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
માત્ર ઓડિશા જ નહીં, બંગાળમાં પણ વરસાદનું જોર
હવામાન વિભાગના બુલેટિન મુજબ, આ લો-પ્રેશરની અસર પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળશે. કોલકાતા સહિત દક્ષિણ બંગાળના અનેક જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને આવતીકાલે રથયાત્રાના દિવસે કોલકાતા, હાવડા, હુગલી અને ઉત્તર-દક્ષિણ ૨૪ પરગણા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પવનની ગતિ પણ કલાકના ૩૦ થી ૪૦ કિમી રહેવાની શક્યતા છે, જે રથયાત્રાના આયોજકો માટે ચિંતાનું કારણ બની શકે છે.
૨૨ રાજ્યોમાં સક્રિય ચોમાસું, પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદનું અનુમાન
માત્ર પૂર્વ ભારત જ નહીં, પરંતુ આગામી ૬૦ કલાકમાં દેશના ૨૨ રાજ્યોમાં ચોમાસાની ગતિવિધિઓ વધુ તેજ બનશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જેવા કે ઉત્તરાખંડમાં પણ ૧૫ જુલાઈથી વરસાદનું જોર વધવાની ધારણા છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ સપ્તાહના અંત સુધીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ પૂર્વોત્તરના રાજ્યો આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.
માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના
દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. દરિયામાં મોજા ઉછળવાની અને સ્થિતિ તોફાની બનવાની શક્યતાને જોતા માછીમારોને ૧૮ જુલાઈ સુધી દરિયામાં ન જવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. એક તરફ લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે પુરી પહોંચી રહ્યા છે, ત્યારે બીજી તરફ કુદરતના આ મિજાજ સામે ભક્તોની આસ્થા અને તંત્રની તૈયારીઓ વચ્ચે કસોટી થવાની છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
