<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

RBI નો ફિક્સ્ડ ડિપોઝિટ માટે મોટો આદેશ: બલ્ક FD ના નિયમો બદલાયા, જાણો ગ્રાહકોના ખિસ્સા અને વ્યાજ દર પર શું થશે અસર

રિઝર્વ બેંકે પારદર્શિતા વધારવા માટે બેંકો માટે નવા દિશાનિર્દેશો જાહેર કર્યા: દરરોજ વેબસાઇટ પર વ્યાજ દર જાહેર કરવા પડશે, બધી શાખાઓમાં એક સમાન દર રાખવો ફરજિયાત.

મુંબઈ :  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. બેંકિંગ સિસ્ટમમાં વધુ પારદર્શિતા લાવવા અને લિક્વિડિટી રિસ્ક પ્રોફાઈલને સંતુલિત કરવા માટે બેંકોને બલ્ક ડિપોઝિટ (મોટી રકમની થાપણો) પર અલગ-અલગ વ્યાજ દર ઓફર કરવાની છૂટ આપવામાં આવી છે. આ નવા નિયમો સ્થાનિક રૂપિયાની થાપણો અને NRI રૂપિયાની થાપણો બંને માટે લાગુ થશે.

આ નવા સુધારા અંતર્ગત RBI એ બેંકો માટે દરરોજ સવારે કામકાજ શરૂ થતાં જ પોતાની સત્તાવાર વેબસાઇટ પર બલ્ક ડિપોઝિટના નવા વ્યાજ દરો પ્રદર્શિત કરવા ફરજિયાત બનાવ્યા છે. આ ઉપરાંત, ગ્રાહકોની સુવિધા માટે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક જ બેંકની દેશભરની કોઈપણ શાખામાં સમાન રકમની થાપણ પર અલગ-અલગ વ્યાજ દર આપી શકાશે નહીં. એટલે કે સમગ્ર દેશની શાખાઓમાં એક જ વ્યાજ દરનો નિયમ લાગુ રહેશે.

ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે આ નિયમોથી સામાન્ય રીટેલ FD ના વ્યાજ દરોમાં સીધો કોઈ ફરજિયાત ઘટાડો કે વધારો થશે નહીં. બેંકો તેમની જરૂરિયાત, ફંડની કિંમત અને બજારની સ્થિતિના આધારે પોતે જ વ્યાજ દરો નક્કી કરવાનું ચાલુ રાખશે. આ ફેરફાર મુખ્યત્વે બલ્ક ડિપોઝિટની કિંમત નક્કી કરવાની પદ્ધતિ અને તેની સાર્વજનિક જાહેરાતની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કરવામાં આવ્યો છે.

(7:33 PM IST)