<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

RCB નો દબદબો! આઈપીએલ 2026 ના ટાઈટલ વિજય પર ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM ફિદા, કહ્યું – "આ ભારત-ઓસ્ટ્રેલિયાની અનોખી મિત્રતાનું પ્રતીક છે"

વિરાટ કોહલીની બેટિંગ અને ઓસ્ટ્રેલિયન સ્ટાર્સ જોશ હેઝલવુડ-ટિમ ડેવિડની જોરદાર રમત પર ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સે વરસાવ્યા વખાણ

નવી દિલ્હી, તા.02: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની ઐતિહાસિક જીત માત્ર ક્રિકેટ પ્રેમીઓ માટે જ નહીં, પરંતુ બે દેશોના રાજદ્વારી સંબંધો માટે પણ ગૌરવનો વિષય બની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને ધૂળ ચટાડીને સતત બીજીવાર ચેમ્પિયન બનેલી RCB ની સફળતા પર ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લ્સે મોટું નિવેદન આપ્યું છે.
ક્રિકેટના મેદાનમાં બે દેશોનું મિલન
રિચાર્ડ માર્લ્સે RCB ની જીતને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, "ગઈકાલે રાત્રે RCB નો વિજય એ માત્ર એક ટીમની જીત નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સહયોગની જીત છે." તેમણે ખાસ કરીને વિરાટ કોહલીની અણનમ 75 રનની મેન ઓફ ધ મેચ ઇનિંગ્સની પ્રશંસા કરી હતી, પરંતુ તેની સાથે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જોશ હેઝલવુડ અને ટિમ ડેવિડના મહત્વપૂર્ણ યોગદાનને પણ ભારત-ઓસ્ટ્રેલિયાની ભાગીદારીના ઉદાહરણ તરીકે રજૂ કર્યું હતું.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો વિજયી દબદબો
RCB ના આ સફળ ટાઇટલ ડિફેન્સમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. જોશ હેઝલવુડે બોલિંગ આક્રમણમાં ધારદાર પ્રદર્શન કરતા 13 મેચમાં 15 વિકેટ ઝડપી હતી. બીજી તરફ, ટીમ ડેવિડે મિડલ ઓર્ડરમાં ખતરનાક ફિનિશરની ભૂમિકા ભજવી હતી. ડેવિડે 188.27 ના સ્ટ્રાઇક રેટ સાથે 305 રન ફટકારીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય કલાકાર તરીકેની ભૂમિકા નિભાવી હતી.
એલિટ ક્લબમાં જોડાયું RCB
IPL 2026 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે 156 રનનો લક્ષ્યાંક પાર કરી RCB એ સાબિત કરી દીધું છે કે તેઓ હાલમાં વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક છે. આ સતત બીજા ટાઇટલ સાથે RCB હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) જેવી દિગ્ગજ ટીમોની એલિટ યાદીમાં સામેલ થઈ ગયું છે.
ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાનના આ નિવેદને સ્પોર્ટિંગ જગતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સાંસ્કૃતિક અને રમતગમતના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે, જે દર્શાવે છે કે ક્રિકેટના મેદાન પર ખેલાડીઓનું આ સહયોગી પ્રદર્શન વાસ્તવિક દુનિયામાં બે દેશોની મૈત્રીને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે.

(4:48 PM IST)