<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

મહત્વના સમાચારો વાંચી જાવ ફટાફટ

જોર્ડનની એર ડિફેન્સ સિસ્ટમ્સનું ઈરાન પર પલટવાર: પોતાની તરફ આવતી ૩ મિસાઈલો હવામાં જ તોડી પાડી

જોર્ડનની એર ડિફેન્સ સિસ્ટમ્સે મોટી અને નિર્ણાયક કાર્યવાહી કરતા ઈરાન દ્વારા છોડવામાં આવેલી ૩ મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી છે.

 

જોર્ડને સત્તાવાર રીતે દાવો કર્યો છે કે આ મિસાઈલો તેમના દેશને સીધું નિશાન બનાવી રહી હતી. દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જોર્ડનની સેના અને એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે.

 

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે જોર્ડનનું આ સંરક્ષણાત્મક પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ હુમલા બાદ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.

 

 

 

 નાગાલેન્ડના મોન જિલ્લામાં કુદરતનો કહેર: ભયાનક ભૂસ્ખલનમાં ૮ લોકોનાં મોત: ૧૨ને ઇજા

 

નાગાલેન્ડના મોન જિલ્લામાં અતિભારે વરસાદ બાદ સર્જાયેલા ભયાનક ભૂસ્ખલનથી ભારે તબાહી મચી છે.

 

આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૪ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ ૪ મૃતદેહો કાટમાળ નીચે દટાયેલા હોવાની માહિતી છે. કુલ મૃત્યુ ૮ થયા છે અને ૧૨ ને ઈજાઓ થયેલ છે.

 

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ૪ લાખ રૂપિયા અને દરેક ઈજાગ્રસ્તને ૭૪ હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.

 

સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા સેવાઈ રહી છે, પરંતુ હાલ સંપૂર્ણ ધ્યાન કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી પર કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

 

ભૂસ્ખલન રવિવારે સવારે લગભગ ૬ વાગ્યે, મોન શહેરમાં આસામ રાઇફલ્સ કેમ્પની નીચે આવેલા રહેણાક વિસ્તારમાં ભારે વરસાદ બાદ થયું હતું. પોલીસ, આસામ રાઇફલ્સ, ટેરિટોરિયલ આર્મી, રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા શોધખોળ ચાલુ છે. અધિકારીઓએ હજુ વધુ જાનહાનિની શક્યતા નકારી નથી.

 

 

 

 રામ જન્મભૂમિ ચઢાવા ચોરી કેસમાં મોટો વળાંક: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટમાં સીલબંધ રિપોર્ટ દાખલ કર્યો: કાલે સુનાવણી

 

અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરમાં થયેલા ચઢાવા ચોરી કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પોતાનો વિસ્તૃત અને સીલબંધ અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરી દીધો છે.

 

આ અતિ સંવેદનશીલ કેસની વધુ સુનાવણી આવતીકાલે સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરવામાં આવશે.

 

આ સીલબંધ રિપોર્ટમાં ચોરી કઈ રીતે થઈ અને તેમાં કોની સંડોવણી છે તે અંગેના અતિ મહત્વના ખુલાસા હોવાની પૂરી શક્યતા છે.

 

દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ કેસમાં નામદાર કોર્ટના આગામી આદેશ પર સૌની નજર ટકેલી છે.

 

 

 

ગુયાનામાં ભયાનક જળ દુર્ઘટના: ૧૧૬ મુસાફરો ભરેલી ફેરી નદીમાં ખાબકી, ૬૭ લોકોનો આબાદ બચાવ કરાયો: અનેક મુસાફરો લાપતા

ગુયાનામાં એક મોટી અને દર્દનાક જળ દુર્ઘટના સામે આવી છે, જેમાં ૧૧૬ જેટલા મુસાફરોને લઈ જઈ રહેલી એક ફેરી અચાનક પલટી ખાઈ ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

 

રેસ્ક્યૂ ટીમોએ ભારે જહેમત બાદ ૬૭ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. જોકે હજુ પણ અનેક મુસાફરો લાપતા હોવાથી તેઓની સઘન શોધખોળ ચાલુ છે.

 

પ્રશાસન દ્વારા તમામ જરૂરી સંસાધનો કામે લગાડીને ગુમ થયેલા લોકોને શોધવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(10:56 PM IST)