News of Friday, 24th July 2026
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ

*ફરી ટ્રેડ વોરનું ભૂત ધૂણ્યું: ટ્રમ્પે ભારત સહિત ૬૦ દેશો પર ૧૦થી ૧૨.૫ ટકા ટેરિફ ઝીંક્યો
*સવાર સુધીમાં રાજકોટમાં વીજળીના ગડગડાટ સાથે ત્રણ ઈંચ વરસાદ, રાત આખી વરસાદ પડ્યો, ત્રણ સ્થળોએ વૃક્ષો તૂટી પડ્યા: વેસ્ટ ઝોનમાં ૭૩ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૬૯ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૪૬ મિમી પાણી પડ્યું
*અમદાવાદમાં સવાર સુધીમાં ધોધમાર ૧૫.૩૦ ઇંચ; સૌથી વધુ બોપલ અને બાકરોલમાં ૧૮ ઇંચ; બોડકદેવ, સરખેજ અને જોધપુરમાં ૧૬ ઇંચ; મગતમપુરામાં ૧૫.૩૦ ઇંચ; સાયન્સ સિટી, વાસણા અને મેમનગરમાં ૧૪-૧૪ ઇંચ જેવો અતિ ભારે વરસાદ પડી ગયો, સવારથી વરસાદના ખમૈયા..
* અમેરિકાનો સતત ૧૩ મા દિવસે ઈરાન ઉપર ભયંકર હવાઈ હુમલો, તો હુથી બળવાખોરોએ રેડ-સીમાં બે તેલ જહાજો પર હુમલા કર્યા, જોર્ડને સંખ્યાબંધ મિસાઈલ અને ડ્રોનને હવામાં જ ફૂંકી માર્યા, બહેરીનમાં સાયરન વાગી ઉઠ્યા
* સવાર સુધીમાં રાજ્યના ૨૫૫ તાલુકામાં મેઘરાજાની સતત ત્રીજા દિવસે જબ્બર બેટિંગ, ૧ થી ૧૯ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો
* નવસારીના શાંતાદેવી વિસ્તારમાં પૂરનો ભારે કહેર, અનેક સ્થળોએ પ્રથમ માળ સુધી પાણી પહોંચ્યા, સંખ્યાબંધ દુકાનો કારખાના અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ, લાખો કરોડોનું નુકસાન
* નવસારીમાં કાવેરી નદી ભયજનક ૨૯ ફૂટની સપાટીએ પહોંચતા ચીખલીમાં ભારે હાલાકી, પ્રસિદ્ધ મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું
* નવસારીમાં અંબિકા નદી ગાડીતૂર બનતા ગણદેવીના ખખવાડા ગામે અનેક લોકો પાણીમાં ફસાયા, ૩૮ને સુરક્ષિત બચાવાયા, ઘરોમાં પાણી ઘૂસી ગયા, લોકો છાપરે ચડી ગયા.
*ફાસ્ટ ટ્રેક કોર્ટના વચનથી કામ નહીં ચાલે, ભ્રષ્ટ ન્યાયતંત્ર હોય તો ન્યાય અશક્ય; ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ જોઈએ: સીજેપી : પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કર્યા બાદ સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે તેને અપૂરતું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જો ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હશે તો માત્ર ફાસ્ટ ટ્રેક કોર્ટથી સમસ્યાનો ઉકેલ નહીં આવે અને વડાપ્રધાનનું નિવેદન માત્ર તાત્કાલિક મલમ સમાન છે. :સીજેપીએ ફરી સ્પષ્ટ કર્યું કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તેમની બિનશરતી માંગ છે અને તે અંગે કોઈ સમાધાન શક્ય નથી. : સૌરવ દાસે જણાવ્યું કે સરકાર જો ખરેખર શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માંગતી હોય તો જવાબદારી નક્કી કરીને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. સીજેપીના જણાવ્યા મુજબ તેમની માંગો સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
*સરકાર-સીજેપી વચ્ચે આજે કન્સ્ટિટ્યુશન ક્લબમાં મંત્રણાની તૈયારી; નિષ્પક્ષ સ્થળે ચર્ચાની માગ સ્વીકારાઈ હોવાનો દાવો : પેપર લીક વિરોધી આંદોલન વચ્ચે આજે શુક્રવારે સરકાર અને સીજેપીના પ્રતિનિધિઓ વચ્ચે નવી દિલ્હીના કન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં મંત્રણા થવાની શક્યતા છે. સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે દાવો કર્યો કે સરકારે નિષ્પક્ષ સ્થળે ચર્ચા કરવાની તેમની માગ સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે સરકાર તરફથી ચર્ચાની તૈયારી દર્શાવવામાં આવી છે અને સરકારી કચેરીને બદલે કન્સ્ટિટ્યુશન ક્લબ જેવા તટસ્થ સ્થળે બેઠક રાખવાની તેમની માંગ પર સહમતિ બની છે.તેમણે કહ્યું કે વડાપ્રધાનનું નિવેદન માત્ર બેન્ડ એઇડ છે, અમારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ છે, જો તેઓ તેમની સરકારને બચાવવા માગતા હોય તો તાત્કાલિક પગલા ભરે...
સીજેપીનું કહેવું છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ યથાવત છે અને ચર્ચા દરમિયાન પણ તે મુખ્ય મુદ્દો રહેશે.
*કોંગ્રેસનો વિરોધ માત્ર દેખાડો હતો; નેતાઓએ જંતર મંતર પર વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેવું જોઈએ હતું: ગીતાંજલી આંગમો : સોનમ વાંગચૂકના ઉપવાસ દરમિયાન આંદોલનનું નેતૃત્વ સંભાળી રહેલી તેમની પત્ની ગીતાંજલી આંગમોએ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા એકવીસમી તારીખે અચાનક વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરવી માત્ર દેખાડો હતો અને તેમાં નિષ્ઠાનો અભાવ દેખાયો. : તેમના જણાવ્યા મુજબ જો કોંગ્રેસ ખરેખર વિદ્યાર્થીઓના પ્રશ્નો સાથે ઉભી રહેવા માંગતી હોય તો તેના નેતાઓએ જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનમાં સીધો જોડાવું જોઈએ હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે આંદોલનનું કેન્દ્ર વિદ્યાર્થીઓની લડત છે અને રાજકીય પ્રતીકાત્મક કાર્યક્રમો કરતાં મેદાનમાં હાજરી વધુ મહત્વની છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
