News of Friday, 27th November 2026
ATMમાંથી પૈસા ઉપાડતા પહેલા આ ખાસ વાંચજો: RBI એ અગાઉના ૧૭ આદેશો રદ કરી નવા નિયમો લાગુ કર્યા!
હવે દરેક ATM બહાર 'મેટ્રો' કે 'નોન-મેટ્રો' વિસ્તાર દર્શાવતા સ્ટીકર લગાવવા ફરજિયાત : મફત મર્યાદા પૂરી થયા બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹૨૩ ચાર્જ ચૂકવવો પડશે, નિષ્ફળ વ્યવહાર પર કોઈ ફી નહીં

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના ગવર્નર સંજય મલ્હોત્રાએ ૨૦૦૮ થી ૨૦૨૨ દરમિયાન જારી કરાયેલા અગાઉના તમામ ૧૭ પરિપત્રોને રદ કરીને ATM ઉપાડ અંગેના નવા અને સ્પષ્ટ નિયમો તાત્કાલિક અસરથી લાગુ કર્યા છે. ૨૭ નવેમ્બરના રોજ જારી કરાયેલા આ નવા પરિપત્ર મુજબ, દેશની તમામ વાણિજ્યિક, પ્રાદેશિક ગ્રામીણ અને સહકારી બેંકોએ હવે ગ્રાહકોને દર મહિને મળતા મફત ATM વ્યવહારો અને ત્યારબાદ લાગતા ચાર્જ વિશે સંપૂર્ણ પારદર્શિતા રાખવી પડશે. ખાસ કરીને, ગ્રાહકોમાં મફત મર્યાદા અંગે કોઈ ગૂંચવણ ન રહે તે માટે દરેક ATM બહાર તે 'મેટ્રો' શહેરમાં આવેલું છે કે 'નોન-મેટ્રો' વિસ્તારમાં, તે સ્પષ્ટપણે દર્શાવતા સ્ટીકર કે પોસ્ટર લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વ્હાઇટ-લેબલ ATM ઓપરેટરોને પણ બેંકો અને RBI પાસેથી સીધી રોકડ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે.
મફત વ્યવહારોની મર્યાદા અંગે સ્પષ્ટતા કરતા RBI એ જણાવ્યું છે કે બચત ખાતાધારકો માટે હાલની મફત મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રાહકો દર મહિને પોતાની બેંકના ATM માંથી કુલ ૫ મફત વ્યવહારો કરી શકશે, જેમાં રોકડ ઉપાડ ઉપરાંત બેલેન્સ ચેક અને મિની-સ્ટેટમેન્ટ જેવી બિન-નાણાકીય સેવાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય બેંકોના ATM માંથી મેટ્રો શહેરોમાં ૩ અને નોન-મેટ્રો શહેરોમાં ૫ વ્યવહારો મફત રહેશે. જોકે, પોતાની અને અન્ય બેંકો મળીને કુલ મફત ઉપાડની મર્યાદા ૫ વ્યવહારો પર જ યથાવત રાખવામાં આવી છે, જેથી ગ્રાહકો પોતાની મર્યાદા મુજબ યોગ્ય આયોજન કરી શકે.
નવા નિયમો મુજબ, ગ્રાહકની માસિક મફત ઉપાડ મર્યાદા પૂરી થયા બાદ દરેક વધારાના વ્યવહાર પર બેંકો ₹૨૩ ની ફી વસૂલી શકશે, જેના પર લાગુ પડતો GST પણ ચૂકવવાનો રહેશે. બેંકોએ આ ચાર્જ લાગુ કરતા પહેલા પોતાના બોર્ડની નીતિગત મંજૂરી લેવી પડશે અને પોતાના ડેટાબેઝમાં તમામ ATM ના લોકેશનની સચોટ વિગતો જાળવવી પડશે જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો ન થાય. ગ્રાહકો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે જો તકનીકી કારણોસર કોઈ ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય, તો બેંકો તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલી શકશે નહીં.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
