<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કોઈ પણ શરત માનવા તૈયાર, બસ મને ભારતમાં રહેવા દો

હાઈકોર્ટમાં ઇમરાન ખાનની આજીજી : બોમ્‍બે હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનને મોટી રાહત આપતા FRROની ભારત છોડો નોટિસ પર ૭ ડિસેમ્‍બર સુધી રોક લગાવી છે

મુંબઈ તા.૩: બોલિવૂડ અભિનેતા આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઇમરાન ખાનને બોમ્‍બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ફોરેનર્સ રિજનલ રજિસ્‍ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા ભારત છોડવા માટે આપવામાં આવેલા નોટિસ સામે ઇમરાન ખાને કોર્ટમાં અરજી કરી હતી. સોમવાર, ૨ નવેમ્‍બરના રોજ આ મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તેમને વચગાળાની રાહત આપતાં ભારત છોડવાના નોટિસ પર લગાવવામાં આવેલી રોક ૭ ડિસેમ્‍બર સુધી લંબાવી છે. જોકે, કોર્ટે ઇમરાન ખાનને સ્‍પષ્ટ ચેતવણી પણ આપી છે કે ભવિષ્‍યમાં ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્‍ડિયા (OCI)ના નિયમોનું કોઈપણ સંજોગોમાં ઉલ્‍લંઘન થવું જોઈએ નહીં. આ ઉપરાંત કોર્ટે તેમની પાસે બિનશરતી માફી માંગવાની પણ વાત કરી છે.

ઉલ્‍લેખનીય છે કે, ઇમરાન ખાન ભારતીય નાગરિક નથી, પરંતુ તેમની પાસે OCI કાર્ડ છે. આથી ભારતમાં રહેવા અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા સંબંધિત નિયમોનું પાલન કરવું તેમના માટે જરૂરી છે. ઇમરાને કોર્ટ સમક્ષ માત્ર ભારતમાં રહેવાની મંજૂરી આપવાની વિનંતી કરી હતી. આ માટે તેમણે કોર્ટને જરૂરી બાંહેધરી (Undertaking) આપવા તૈયાર હોવાનું પણ જણાવ્‍યું હતું. જોકે, કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે માત્ર બાંહેધરી આપવાથી આ મામલો ઉકેલાશે નહીં.

બોમ્‍બે હાઈકોર્ટે ઇમરાન ખાનને આપેલી વચગાળાની રાહત યથાવત્‌ રાખવાનો આદેશ આપ્‍યો છે. અગાઉ ૨૭ ઓક્‍ટોબરના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે FRROના ભારત છોડવાના નોટિસ પર ૨ નવેમ્‍બર સુધી રોક લગાવી હતી. હવે ૨ નવેમ્‍બરની સુનાવણી દરમિયાન આ રાહત વધારીને ૭ ડિસેમ્‍બર સુધી કરવામાં આવી છે. એટલે કે આગામી સુનાવણી સુધી ઇમરાન ખાન સામેના ભારત છોડવાના નોટિસની અમલવારી અટકેલી રહેશે.

કોર્ટમાં ઇમરાન ખાન તરફથી દલીલ કરવામાં આવી હતી કે અત્‍યાર સુધી કોઈ તપાસ એજન્‍સીએ તેમને પૂછપરછ કે તપાસ માટે બોલાવ્‍યા નથી. આ મામલે નોંધાયેલી FIR અંગે પણ તેમને કોઈ સમન્‍સ કે સત્તાવાર નોટિસ આપવામાં આવી નથી. FIRમાં તેમનું નામ સામાન્‍ય રીતે સામેલ કરવામાં આવ્‍યું છે, પરંતુ તેમની સામે કોઈ ચોક્કસ આરોપ મૂકવામાં આવ્‍યો નથી. આ ઉપરાંત કથિત ઘટનામાં તેમની કોઈ સીધી ભૂમિકા હોવાનો પણ ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો નથી. ઇમરાનના પક્ષે એવી દલીલ પણ કરવામાં આવી હતી કે FIRમાં લગાવવામાં આવેલી કલમો જામીનપાત્ર (Bailable) છે.

સુનાવણી દરમિયાન બોમ્‍બે હાઈકોર્ટે ઇમરાન ખાનને એક મહત્ત્વપૂર્ણ બાબત સ્‍પષ્ટ કરવા જણાવ્‍યું હતું. કોર્ટે કહ્યું કે અરજદારે એ સાબિત કરવું પડશે કે કથિત વિરોધ પ્રદર્શન સાથે તેમનો કોઈ સીધો સંબંધ નહોતો. તેઓ કોઈ વિરોધ પ્રદર્શન કે આંદોલનમાં પ્રત્‍યક્ષ રીતે સામેલ હતા કે તેની સાથે જોડાયેલા હતા કે નહીં, તે અંગે સ્‍પષ્ટતા કરવી જરૂરી છે. કોર્ટ ઇચ્‍છે છે કે ઇમરાન ખાન એ સ્‍પષ્ટ કરે કે કથિત પ્રવૃત્તિઓમાં તેમની કોઈ સીધી ભાગીદારી કે સક્રિય ભૂમિકા નહોતી. આ મુદ્દો કેસની સુનાવણીમાં મહત્ત્વનો બની શકે છે.

ઇમરાન ખાન તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમનો કોઈ પણ જૂથ કે સંગઠન સાથે સંબંધ કે જોડાણ નથી. તેમણે પોતાના જીવન અને ભારત સાથેના સંબંધોનો ઉલ્‍લેખ કરતાં કહ્યું હતું કે અમેરિકામાં વિતાવેલા ૨ વર્ષ સિવાય તેમણે પોતાનું સમગ્ર જીવન ભારતમાં જ પસાર કર્યું છે. તેમણે કોર્ટ સમક્ષ જણાવ્‍યું હતું કે ભારત તેમનું ઘર છે. તેમનું બાળક પણ અહીં રહે છે અને તેમનું વ્‍યાવસાયિક તેમજ અંગત જીવન ભારત સાથે જોડાયેલું છે. તેમનું કામ, પરિવાર અને જીવનનાં મૂળિયાં બધું જ ભારતમાં છે. તેથી તેમને દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવે તેવી તેમની વિનંતી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે ઇમરાન ખાનને સવાલ કર્યો હતો કે ભારતમાં આવ્‍યા બાદ તેમણે નોકરી મેળવવા માટે કોઈ પ્રયાસ કર્યો છે કે પછી કોઈ રોજગાર શરૂ કર્યો છે? તેના જવાબમાં ઇમરાન તરફથી જણાવવામાં આવ્‍યું હતું કે હાલમાં તેમની પાસે કોઈ ફિલ્‍મ પ્રોજેક્‍ટ નથી. તેમણે ફરીથી સ્‍પષ્ટતા કરી હતી કે જે વિરોધ પ્રદર્શનના આયોજકોની વાત કરવામાં આવી રહી છે, તેમની સાથે પણ પોતાનો કોઈ સંબંધ કે જોડાણ નથી. એટલે કે કથિત વિરોધ પ્રદર્શનના આયોજનમાં તેમની કોઈ ભૂમિકા હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

આ મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ સવાલ પણ ઉઠાવ્‍યો હતો. કોર્ટે પૂછ્‍યું હતું કે જો કોઈ ભારતીય નાગરિક વિદેશમાં આવી જ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ થયો હોત, તો તેણે કયા પરિણામોનો સામનો કરવો પડ્‍યો હોત? બીજી તરફ, ઇમરાન ખાન તરફથી કહેવામાં આવ્‍યું હતું કે કોર્ટ જે પણ બાંહેધરી કે ખાતરી માંગશે તે આપવા તેઓ તૈયાર છે. તેમની એકમાત્ર વિનંતી એટલી જ છે કે તેમને ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવે. જોકે, કોર્ટે આ મામલે સ્‍પષ્ટ કર્યું હતું કે કેટલીક એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જે બ્‍ઘ્‍ત્‍નો દરજ્‍જો નિયંત્રિત કરતા નિયમો હેઠળ સ્‍વીકાર્ય નથી. કોર્ટે ચેતવણી આપી હતી કે ભવિષ્‍યમાં આવી કોઈ ઘટના કોઈપણ સંજોગોમાં ફરીથી બનવી જોઈએ નહીં.

બોમ્‍બે હાઈકોર્ટે ઇમરાન ખાનને બિનશરતી માફી માંગવાનું કહ્યું છે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે માત્ર બાંહેધરી આપવી પૂરતી નથી અને માત્ર ભવિષ્‍યમાં નિયમોનું પાલન કરવાનું આશ્વાસન આપવાથી આ મામલાનો ઉકેલ આવી શકે નહીં. એટલે ઇમરાનને આ મામલે માફી માંગવાની પણ જરૂરિયાત દર્શાવવામાં આવી છે. હાલ પૂરતી કોર્ટે તેમને રાહત આપી છે, પરંતુ OCI નિયમોના પાલન અંગે કડક વલણ અપનાવ્‍યું છે. હવે આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે અને ઇમરાન કોર્ટની માફી સંબંધિત સૂચનાનું કેવી રીતે પાલન કરે છે, તેના પર સૌની નજર રહેશે.

(10:05 AM IST)