<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

"સંસદનું ખાસ સત્ર બોલાવવા તૈયાર": અમિત શાહે 'મત ચોરી'ના આરોપો પર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ફેંક્યો ખુલ્લો પડકાર!

ચૂંટણી પંચ અને SIR પર વિપક્ષના ગંભીર આક્ષેપો સામે કેન્દ્રીય ગૃહમંત્રીનો આકરો પ્રહાર; : સંસદમાં આરોપો સાબિત કરવાની હિંમત બતાવો, વિપક્ષ ચર્ચાથી ભાગીને માત્ર રસ્તાઓ પર હંગામો કરવા માંગે છે

લખનૌ :  ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે વિપક્ષ દ્વારા સતત કરવામાં આવી રહેલા 'મત ચોરી'ના ગંભીર આરોપો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી નેતાઓ સામે સખત વલણ અપનાવ્યું છે. લખનૌમાં આયોજિત ભારતીય જનતા પાર્ટી  ની રાજ્ય કારોબારી સમિતિની બેઠકને સંબોધતા અમિત શાહે જાહેરાત કરી હતી કે સરકાર આ મુદ્દા પર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવા સંપૂર્ણ તૈયાર છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને સીધો પડકાર ફેંક્યો હતો કે તેઓ સંસદના ગૃહમાં આવીને ચૂંટણી પંચ સામેના પોતાના આરોપો સાબિત કરી બતાવે.

અમિત શાહે વિપક્ષની વ્યૂહરચના પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધન ક્યારેય સંસદમાં તથ્યો સાથે ચર્ચા કરવા તૈયાર થશે નહીં. તેમનો વાસ્તવિક હેતુ કોઈ સુધારા કરવાનો કે સત્ય સામે લાવવાનો નથી, પરંતુ માત્ર રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરીને દેશમાં ભ્રમ અને રાજકીય અસ્થિરતાનું વાતાવરણ ઊભું કરવાનો છે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા તમામ દાવાઓ પાયાવિહોણા અને પૂર્વગ્રહદૂષિત છે.

નોંધનીય છે કે ઇન્ડિયા  ગઠબંધન દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને 'SIR' મામલે સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે અને તેના વિરોધમાં ૧ નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં એક વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વિપક્ષી નેતાઓના આ આક્રમક વલણ વચ્ચે અમિત શાહે સંસદના ખાસ સત્રની ઓફર કરીને બોલ વિપક્ષના કોર્ટમાં ફેંકી દીધો છે. ગૃહમંત્રીના આ ખુલ્લા પડકાર બાદ હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને સૌની નજર વિપક્ષી નેતાઓના આગામી પગલાં પર મંડાયેલી છે.

(9:27 PM IST)